NATIONAL

ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો

ભારતની ટેક્ટોનિક પ્લેટમાં ભેદી હિલચાલ થઈ રહી છે. પૃથ્વીનો ઉપરનો હિસ્સો ટેક્ટોનિક પ્લેટ કહેવાય છે. એ મેગ્મા નામના પદાર્થ પર તરે છે. મેગ્મા એવા પદાર્થને કહેવાય છે કે જે ખનીજ, ગેસ વગેરેથી બને છે અને તે મજબૂત મિશ્રણ હોય છે. જો કોઈ સ્થળે એનો ભરાવો થાય તો એ લાવાના રૂપમાં બહાર નીકળે છે. એ પદાર્થ મેગ્મા પર ગાઢ ટેક્ટોનિક પ્લેટ હોય છે અને તેમાં જો હિલચાલ થાય તો ભૂકંપ આવે છે. સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટનું હલનચલન ખૂબ ઓછું હોય ત્યારે ભૂકંપની તીવ્રતા પણ નગણ્ય હોય છે, પરંતુ જો એમાં હિલચાલ વધે તો શક્તિશાળી ભૂકંપ ત્રાટકીને હાહાકાર મચાવે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સિસ્મોલોજી વિભાગના સાઈમન ક્લેમ્પરર અને તેમની ટીમે ભારતની ટેક્ટોનિક પ્લેટનો અહેવાલ તૈયાર કરીને અમેરિકન જિયોફિઝિકલ યુનિયન સમક્ષ રજૂ કર્યો હતો. એમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારતીય ટેક્ટોનિકમાં મોટી ઉથલપાથલ થઈ રહી હોવાથી હિમાલયન રેન્જ અને તિબેટ પર ભવિષ્યમાં મોટા ભૂકંપનો ખતરો છે. વૈજ્ઞાાનિકોએ નોંધ્યું કે ભારતની ટેક્ટોનિક પ્લેટ તિબેટની નીચે બે ભાગમાં વહેચાઈ રહી છે. નીચલો મજબૂત હિસ્સો એક તરફ ખસી રહ્યો છે અને ઉપરનો હિસ્સો મેંટલમાં સરકી રહ્યો છે. મેન્ટલ એને કહેવાય છે જે પ્લેટની નીચેનો હિસ્સો હોય. ઉપરનો હિસ્સો થોડો હળવો હોવાથી એ આગળની બાજુ સરકે છે. તેનાથી ભવિષ્યમાં હિમાલય હજુ ઊંચો થશે, અથવા તો એકાએક નીચો થઈ જશે. જોકે, આ પ્રક્રિયામાં સદીઓ નીકળી જશે.

નજીકમાં ખતરો એટલો છે કે ભારતની ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે પાંચ સેન્ટિમીટર પહોળી થઈ રહી છે. ખાસ તો આખીય પ્લેટ ઉત્તરની તરફ ખસે છે. તેનાથી તિબેટ અને હિમાલયના પેટાળમાં ખતરો સર્જાયો છે. ઉત્તર ભારત પર પણ ભૂકંપનો ખતરો છે. સેટેલાઈટ ઈમેજથી પણ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે તિબેટનો હિસ્સો હજુય ઊંચો થઈ રહ્યો છે. તેનો અર્થ એ કે બીજો હિસ્સો નીચે જશે. આ પ્રક્રિયા ધીમે થશે, પરંતુ લાંબાં ગાળાની અસર કરશે. આવું તારણ કાઢવા માટે બે બાબતો મહત્ત્વની સાબિત થઈ હતી. વૈજ્ઞાાનિકોએ જાણ્યું કે તિબેટના પાતાળ કુવાઓમાં હિલિયમ-૩ ગેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું. હિલિયમ-૩ વાયુ વધારે હોય એનું કારણ એ કે તે તિરાડના કારણે જે મેન્ટલનો હિસ્સો બને છે એમાંથી એ ગેસ આવે છે. બજી બાબત એવી જાણી કે હિમાલયન રેન્જમાં ભૂકંપ આવે ત્યારે તેના વેવ્ઝ ટેક્ટોનિક પ્લેટથી કંઈક વિચિત્ર હરકત કરીને ફંટાઈ જાય છે. આ બંને બાબતોથી સંશોધકો એ તારણ પર આવ્યા કે ભારતની ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ પડી રહી છે. ભવિષ્યમાં નવી જ પ્લેટ બનશે, પરંતુ તે દરમિયાન અનેક ભૂકંપો ત્રાટકે તેવી શક્યતા છે.

Back to top button
error: Content is protected !!