ભરૂચમાં કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવાયો:જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન અને કાર્યક્રમ યોજાયો

સમીર પટેલ, ભરૂચ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ 28 ડિસેમ્બરના રોજ ઉજવાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પક્ષના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને ઝુબેર પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં થઈ હતી. કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી પક્ષના પ્રથમ પ્રમુખ હતા, જ્યારે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ.ઓ. હ્યુમ સ્થાપક સભ્યોમાંના એક હતા. સ્થાપના દિવસ નિમિત્તે આગેવાનોએ દેશની આઝાદીમાં કોંગ્રેસના યોગદાનને યાદ કર્યું હતું અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




