BODELICHHOTA UDAIPUR
બોડેલી નગરમાં સ્વાન–સુવરનો બેફામ વધારો, વારંવાર બચકા ભરવાના બનાવો બનતા શહેરવાસીઓ ત્રાહિમામ


બોડેલી શહેરના અમન પાર્ક, વોર્ડ વિસ્તારમાં તેમજ અન્ય અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સ્વાન અને સુવરનો આતંક વધ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘરની બહાર રમતા નાના બાળકો, વડીલો અને રાહદારીઓ પર સ્વાન તથા સુવરો દ્વારા હુમલા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા બે દિવસ દરમિયાન અમન પાર્ક વિસ્તારમાં કેટલાક નાગરિકોને સ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ સાથે ભયનો માહોલ વ્યાપી ગયો છે.
નગરવાસીઓનો આક્ષેપ છે કે, સ્વાન અને સુવરનાં ટોળાં રસ્તા પર અચાનક હુમલાખોર બની જતા હોવાથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને બેવ્હીલર ચાલકો અને શાળાએ જતા બાળકો માટે પરિસ્થિતિ અત્યંત જોખમી બની છે. કેટલાક વિસ્તારોમાં સુવરો રસ્તા પર બેસી રહેતા હોવાથી ટ્રાફિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે.
આ સમગ્ર મામલે નગરજનો દ્વારા બોડેલી નગરપાલિકા અને વહીવટી તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરવાસીઓનું કહેવું છે કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્વાન અને સુવર નિયંત્રણ માટે તાત્કાલિક અભિયાન ચલાવવામાં આવે, પકડ કામગીરી હાથ ધરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં તો સ્વાન–સુવરનાં આતંકથી બોડેલી શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર તરફથી તાત્કાલિક પગલાંની રાહ જોઈ રહ્યા છે.
રિપોર્ટર તોસીફ ખત્રી




