BODELICHHOTA UDAIPUR

બોડેલીમાં કડકડતી ઠંડી વચ્ચે ચોરોના આંટા ફેરા, સુરજધામ સોસાયટીમાં મકાનના તાળા તૂટ્યા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં કડકડતી ઠંડીની વચ્ચે ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઠંડીની મોસમ શરૂ થતાં જ ચોરટોળકી સક્રિય બની હોવાનું વધુ એક બનાવ સામે આવ્યો છે. બોડેલીની સુરજધામ સોસાયટીમાં અજાણ્યા ચોરો દ્વારા એક મકાનના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરજધામ સોસાયટીમાં આવેલું મકાન થોડા સમયથી ભાડુઆતો દ્વારા ખાલી કરવામાં આવ્યું હતું. આ વાતની જાણ થતાં ચોરોએ તકનો લાભ લઈ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જોકે મકાન ખાલી હોવાના કારણે કોઈ કિંમતી સામાન હાથ ન લાગતાં ચોરોને ખાલી હાથે પાછું વળવું પડ્યું હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાથી સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે, ઠંડીના સમયમાં રાત્રીના સમયે લોકો ઘરમાં જ રહેતા હોવાથી ચોરોને વધુ તક મળતી હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી બોડેલીના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ લોકોના આંટાફેરા વધ્યા હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે.
સુરજધામ સોસાયટીના રહીશોએ બોડેલી પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે. સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરીને ચોરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ બનાવને પગલે સ્થાનિક નાગરિકોએ પોલીસ વિભાગને રાત્રી પેટ્રોલિંગ વધુ કડક બનાવવાની માંગ કરી છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને ખાલી મકાનો પાસે સતત પેટ્રોલિંગ કરવામાં આવે તો ચોરીના બનાવોને અટકાવી શકાય તેમ હોવાનું લોકોનું કહેવું છે. બોડેલીમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!