
નર્મદા: શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ રાજપીપળાના વિદ્યાર્થીની પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળાના વિદ્યાર્થી હળપતિ આશિષે પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આશિષ હળપતિએ વિશેષ શાંતાબા વિદ્યાલય, કુકેરી ખાતે બાલમંદિરથી ધોરણ-૧૨ સુધીનો સંપૂર્ણ અભ્યાસ જવાબદારી અને સમર્પણભાવ સાથે પૂર્ણ કર્યો છે. આશિષને સફળતા સુધી પહોંચાડવામાં શાંતાબા વિદ્યાલય, કુકેરીના શાળા પરિવારનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
હાલ આશિષ હળપતિ શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળામાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ગત વર્ષે તેમણે NCC મારફતે પર્વતારોહણનો “બેઝિક કોર્સ” સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. કોલેજના પ્રાધ્યાપક તથા NCC અધિકારી ડૉ. વિજય પટેલ (SOS) ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે આશિષની પસંદગી લીડરશીપ એન્ડ ટીમ બિલ્ડીંગ કેમ્પ અંતર્ગત નીમ કેમ્પસ, ઉત્તરકાશી – હિમાલય રેન્જ માઉન્ટેનિયરિંગ કોર્સ માટે કરવામાં આવી છે. આ કોર્સ ઉત્તરકાશી ખાતે તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ થી ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર છે.
આ વિશિષ્ટ સિદ્ધિ બદલ આશિષ હળપતિને તેમના શાળા પરિવાર, પુરાણી પરિવાર, કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. પી.વી. આચાર્ય, NCC અધિકારી ડૉ. વિજય પટેલ (SOS) તથા કોલેજના સારસ્વત સ્ટાફે અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.




