AHAVADANGGUJARAT

ડાંગમાં સાત વર્ષીય બાળકનો શિકાર કરનાર આદમખોર દીપડી આખરે પાંજરે પુરાઈ, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના મહાલ ગામે થોડા દિવસો પૂર્વે સાત વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારનારી આદમખોર દીપડીને પકડવામાં ઉત્તર વન વિભાગને મોટી સફળતા મળી છે.ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.મુરાલીલાલ મીણાનાં માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેંજનાં આર.એફ.ઓ ડી.એસ.હળપતિ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આ હિંસક દીપડી કેદ થતા સ્થાનિક રહીશોએ લાંબા સમય બાદ હાશકારો અનુભવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ઉત્તર ડાંગ વન વિભાગની બરડીપાડા રેન્જમાં આવતા મહાલ ગામનો રિતેકભાઈ જિતેરામભાઈ ધુલુમ (ઉંમર વર્ષ 7) નામનો બાળક તેના દાદી સાથે ખેતર નજીક પશુઓ ચરાવવા ગયો હતો. તે સમયે પોતાના બચ્ચા સાથે નીકળેલી દીપડીએ અચાનક રિતેક પર હુમલો કરી તેના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે માસૂમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળ્યો હતો.બાળકના મોતના પગલે ઉત્તર વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ડી.સી.એફ. મુરાલીલાલ મીણાના માર્ગદર્શન હેઠળ અને આર.એફ.ઓ. દીપકભાઈ (ડી.એસ.) હળપતિની સીધી દેખરેખ હેઠળ દીપડીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. વન વિભાગે જે વિસ્તારમાં હુમલો થયો હતો તે આસપાસના જંગલ વિસ્તારમાં વ્યુહાત્મક રીતે પાંજરા ગોઠવ્યા હતા અને સતત મોનિટરિંગ હાથ ધર્યું હતું.છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વન વિભાગની મહેનત આખરે રંગ લાવી છે. માનવભક્ષી બનેલી આ દીપડી ગત રાત્રે વન વિભાગના પાંજરામાં આબાદ ઝડપાઈ ગઈ હતી. પકડાયેલી દીપડીને હાલ બરડીપાડા રેન્જ ખાતે વન વિભાગના ખાસ ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવી છે. નિષ્ણાતો દ્વારા તેની તપાસ કર્યા બાદ તેને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.માસૂમ બાળકના શિકાર બાદ મહાલ અને આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ હતું, ખેડૂતો ખેતરે જવાનું પણ ટાળતા હતા. હવે આદમખોર દીપડી પાંજરે પુરાતા લોકોએ વન વિભાગની ટીમનો આભાર માન્યો છે.જોકે, ઉત્તર વન વિભાગે હજુ પણ ગ્રામજનોને જંગલ વિસ્તારમાં સાવચેતી રાખવા અપીલ કરી છે..

Back to top button
error: Content is protected !!