ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી

ગુજરાતમાં એક વર્ષમાં 11,76,320 બાળકોનો જન્મ થયો છે. જેમાં 6,16,051 દીકરા અને 5,60,437 દીકરીઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 134 બાળકો જન્મે છે. જન્મ લેતાં આ બાળકોમાં 53 ટકા દીકરાઓનો અને 47 ટકા દીકરીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 70 દીકરા અને 64 દીકરી જન્મ લે છે.
વર્ષ 2023માં 6,16,651 બાળકો અને 5,60,434 બાળકીઓનો જન્મ થયો હતો. જેમાં શહેરમાં 4.68 લાખ-ગામડામાં 1.47 લાખ દીકરા અને શહેરમાં 4.23 લાખ-ગામડામાં 1.37 લાખ દીકરીઓના જન્મનો સમાવેશ થાય છે.
સૌથી વઘુ બાળકોના જન્મની વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદ જિલ્લામાં 66,787 બાળકો અને 60,180 બાળકીનો જન્મ થયો છે. બાળકોના સૌથી વધુ જન્મ થયા હોય તેવા જિલ્લામાં સુરત 99470 સાથે બીજા, બનાસકાંઠા 80446 સાથે ત્રીજા સ્થાને છે. સુરતમાં જન્મેલામાંથી 53665 દીકરા અને 45804 દીકરી સામેલ છે. આ સ્થિતિએ અમદાવાદમાં જન્મ લેતાં પ્રત્યેક 100માંથી 53 દીકરાઓ છે.
સેક્સ રેશિયો મામલે ગામડાંની સ્થિતિ શહેર કરતાં સારી છે. શહેરમાં પ્રતિ 1 હજાર પુરૂષે 903 જ્યારે ગામડામાં 931 મહિલા હોવાનું સામે આવ્યું છે.





