નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચીખલી વિસ્તારના મુખ્ય માર્ગો પર મરામત અને નવીનીકરણની કામગીરી હાથ ધરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષા અને વાહનવ્યવહાર વધુ સુલભ બને તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરત રોડ સુધારણાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલીના માર્ગદર્શન હેઠળ હાલ વિવિધ મુખ્ય માર્ગો પર વિસ્તૃતિકરણ અને રિપેરિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોને જોડતા રસ્તાઓ પર અકસ્માતનું પ્રમાણ ઘટાડવાનો અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે.
ચીખલી પેટા વિભાગ હસ્તક આવતા સણવલ્લા-ટાંકલ-રાનકુવા-રૂમલા-કરંજવેરી રોડ પર આવેલા માયનોર બ્રીજના વિસ્તૃતિકરણની (Widening) કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાંકડા પુલને કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી વાહનચાલકોને મુક્તિ મળશે. આ સાથે જ, ખાનપુર-સતીમાળ-કામલઝરી રોડ પર બોક્સ કલવર્ટનું નવું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે, જે ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાને રોકવામાં અને માર્ગની મજબૂતી વધારવામાં મદદરૂપ થશે.
વધુમાં, જિલ્લાના અત્યંત વ્યસ્ત ગણાતા બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઈ રોડ પર બી.એમ. લેયરની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતા રસ્તાની સપાટી સમતલ થશે, જેનાથી વાહનવ્યવહાર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. વિભાગ દ્વારા જણાવાયું છે કે આ તમામ કામગીરી દરમિયાન ગુણવત્તાના ધોરણોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ-નવસારી દ્વારા વાહનચાલકોને વિનંતી કરવામાં આવી છે કે કામગીરી દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવું અને તંત્રને સહકાર આપવો.




