આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ યોજાયો
તાહિર મેમણ- આણંદ- 29/12/2025 – આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યપાલએ વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાનો ઉલ્લેખ કરતાં ભારપૂર્વક જણાવ્યું કે, નાની બીમારીઓનો ઈલાજ મળે છે, પરંતુ પર્યાવરણ પર જ્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે સમુદ્રી તોફાન જેવા મોટા સંકટો આવે છે, ત્યારે માણસ પાસે તેનો કોઈ ઈલાજ હોતો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બધી કુદરતી આપદાઓનું મૂળ કારણ મનુષ્ય સમાજ છે, જેણે આ પ્રકૃતિનું સંતુલન બગાડ્યું છે, પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર છે.
રાજ્યપાલએ પર્યાવરણ બગડવા પાછળ એક મોટું કારણ આપણી રાસાયણિક ખેતી છે, તેમ જણાવી હરિત ક્રાંતિની જરૂરિયાતને સ્વીકારી યાદ અપાવ્યું કે, હરિત ક્રાંતિ શરૂ કરનાર ડૉ. સ્વામીનાથને સ્પષ્ટ લખ્યું હતું કે, રાસાયણિક ખેતી કરતી વખતે પોતાની પરંપરાગત કૃષિને છોડવી નહીં. તેમણે ખેદ વ્યક્ત કર્યો કે આ સલાહ ન માનવાના કારણે ખેડૂતો યુરિયા-ડીએપી ઉપર એકતરફી નિર્ભર થઈ ગયા, જેના કારણે દેશભરની જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે.





