GUJARATTHARADVAV-THARAD

કિયાલ ગામે ઠાકોર સમાજની સમાજ સુધારણા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

વાત્સલ્ય મસમાચાર પ્રવિણભાઈ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ તાલુકાના કિયાલ ગામે ઠાકોર સમાજની સમાજ સુધારણા અને સામાજિક બંધારણ અંગે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગામના સરપંચ સહિત સમાજના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન સમાજમાં વ્યાપતા ખોટા ખર્ચા, વ્યસન અને સામાજિક કુરિવાજો છોડીને શિક્ષણ તરફ વળવાની જોરદાર અપીલ કરવામાં આવી હતી. યુવા આગેવાન કિર્તીભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, “સમાજના ભવિષ્ય માટે બાળકોનું શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ છે. વ્યસન પાછળ થતો ખર્ચ બાળકોના ભણતર માટે વપરાય તો સમાજ આપોઆપ આગળ વધશે.”

આ બેઠકમાં વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ માટેના સામાજિક બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંધારણનું કડક પાલન કરવા પર ભાર મુકાયો હતો તેમજ આ બંધારણને અમલમાં મૂકવા માટે 25 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે, બંધારણનું પાલન દરેક વ્યક્તિએ પોતાના ઘરેથી શરૂ કરવું પડશે તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

આગામી તારીખ 4ના રોજ દિયોદર ખાતે ઠાકોર સમાજના બંધારણ માટે મહાસંમેલન યોજાશે, જેમાં લેવાયેલા નિર્ણયોનું પાલન ફરજિયાત રહેશે. બંધારણના નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સમાજમાં સરપંચથી લઈ સામાન્ય નાગરિક સુધી સૌ માટે નિયમો સમાન રહેશે અને કોઈને પણ શેહશરમ આપવામાં નહીં આવે તેવો કડક સંદેશ આપવામાં આવ્યો હતો.

બેઠકના અંતે, આગામી 4 તારીખે યોજાનારી મહાસંમેલનમાં સૌ સહકાર આપે અને કિયાલ ગામનું નામ સમાજમાં ઉજાગર થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ સમાજને વ્યસનમુક્ત બનાવવા અને બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપવા સૌને નમ્ર વિનંતી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!