GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સરદાર@૧૫૦ સ્વદેશી પદયાત્રાનું ભવ્ય સમાપન – રાષ્ટ્રીય એકતા અને સ્વદેશી સંકલ્પ સાથે ખોડલધામ ખાતે ખોડલ માતાજીને વંદન, ધ્વજારોહણ અને પદયાત્રીઓના ગૌરવસભર સન્માન સાથે ઐતિહાસિક પૂર્ણાહુતિ

તા.૨૯/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના નેતૃત્વમાં યોજાયેલી ત્રણ દિવસીય સરદાર સ્વદેશી પદયાત્રાની પૂર્ણાહુતિ – ખોડલ માતાજીને વંદન સાથે ધ્વજારોહણ, કરમસદથી કેવડિયા સુધીની ‘યુનિટી માર્ચ’ના ૧૦ પદયાત્રીઓનું વિશેષ સન્માન તથા તમામ પદયાત્રીઓને પ્રમાણપત્ર આપીને ગૌરવભેર સન્માન અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘સરદાર@૧૫૦ સ્વદેશી પદયાત્રા – ૨૦૨૫’નું ભવ્ય, ગૌરવસભર અને ભાવપૂર્ણ સમાપન આજે ખોડલધામ કાગવડ ખાતે કરવામાં આવ્યું હતું. રાજકોટથી પ્રસ્થાન કરી ત્રણ દિવસ સુધી ચાલેલી આ ઐતિહાસિક પદયાત્રાએ સ્વદેશી, રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.

પદયાત્રાના સમાપન પ્રસંગે ખોડલધામ ખાતે ખોડલ માતાજીને વંદન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરમસદથી કેવડિયા સુધી યોજાયેલી ઐતિહાસિક ‘યુનિટી માર્ચ’માં જોડાયેલા ૧૦ પદયાત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓના અનુભવ, સંઘર્ષ અને અડગ દેશપ્રેમ યુવા પેઢી માટે પ્રેરણારૂપ હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, ‘સરદાર@૧૫૦ સ્વદેશી પદયાત્રા’માં ત્રણ દિવસ સુધી પગપાળા જોડાયેલા તમામ પદયાત્રીઓને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓના શિસ્તબદ્ધ વર્તન, દેશભક્તિ અને દ્રઢ સંકલ્પને ઉપસ્થિત જનમેદનીએ ઉષ્માભેર વધાવ્યો હતો.

સમાપન સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શ્રી પરસોતમભાઈ રૂપાલા, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૌશીકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ અને અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં દરેક સમાજના ભાઈ-બહેનો, યુવાનો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિથી સમગ્ર ખોડલધામ પરિસર ઉત્સવમય બની ગયો હતો.

પધારેલા તમામ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સરદાર પટેલના જીવનમાંથી સ્વદેશી, રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભરતાના લોકઉપયોગી પ્રસંગો અને પ્રેરણાદાયી કિસ્સાઓ યાદ કર્યા હતા, જે ઉપસ્થિત જનસમૂહ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ જોડાયેલા દર્શકો માટે માર્ગદર્શક સાબિત થયા હતા.

સમાપન પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આ સરદાર સ્વદેશી પદયાત્રાનો મુખ્ય હેતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો “રાષ્ટ્ર પ્રથમ, સ્વદેશી વિચાર અને રાષ્ટ્રીય એકતા”ને જનજન સુધી પહોંચાડવાનો છે. સરદાર સાહેબ માત્ર કોઈ એક સમાજના નહીં, પરંતુ સમગ્ર દેશ અને સમાજના સાચા અર્થમાં સરદાર હતા. તેમના જીવન અને કાર્યમાં ક્યારેય ભેદભાવ માટે સ્થાન નહોતું, અને એ કારણસર જ આ સ્વદેશી પદયાત્રાને સમાજના તમામ વર્ગોમાંથી હર્ષભેર પ્રતિસાદ અને સ્વાગત મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદાર પટેલના વિચારો આજના સમયગાળામાં પણ એટલાં જ પ્રાસંગિક છે. એકતા, શિસ્ત અને સ્વાવલંબનના માર્ગે ચાલીને જ મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતનું નિર્માણ શક્ય છે.

દેશભક્તિના નાદ, સરદાર પટેલના જયઘોષ અને સ્વદેશી અપનાવવાના દ્રઢ સંકલ્પ સાથે ‘સરદાર@૧૫૦ સ્વદેશી પદયાત્રા – ૨૦૨૫’નું ખોડલધામ ખાતે ઐતિહાસિક સમાપન થયું હતું. આ પદયાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને આત્મનિર્ભર ભારતના વિચારને વધુ મજબૂત બનાવવાનો સંદેશ જન જન સુધી પ્રસર્યો છે.

Back to top button
error: Content is protected !!