
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની ત્રણ પિસ્તોલ અને 18 જીવતા કારતુસ સાથે 1 આરોપી ઝડપાયો – અમદાવાદ ખાતે લૂંટના ઇરાદે જતો હોવાનું તપાસમાં સામે આવ્યું – 3 આરોપી ફરાર
અરવલ્લી જિલ્લામાં હથિયાર સાથે આરોપી ને ઝડપી પાડી શામળાજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શામળાજી પોલીસ સ્ટેશન હદ હેઠળના અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન દેશી બનાવટની ત્રણ પિસ્તોલ તથા 18 નંગ જીવતા કારતુસ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીનું નામ બીરેન્દ્રકુમાર ચંદરપાલ (જાતે ખટીક) છે. આરોપી મૂળ ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી હીરો હોન્ડા મોટરસાયકલ પર જઈ રહ્યો હતો, જેમાં બાઈકના ગુપ્ત ખાનામાં દેશી બનાવટની પિસ્તોલ છુપાવી રાખવામાં આવી હતી.પોલીસ તપાસ દરમિયાન લાકડાના હાથાવાળી ત્રણ દેશી પિસ્તોલ (અંદાજિત કિંમત રૂ. 90,000/-) તેમજ 18 નંગ જીવતા કારતુસ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે બાઈક, પિસ્તોલ અને કારતુસ સહિત કુલ રૂ. 1,40,400/- નો નોટમુદ્દામાલ કબ્જે કર્યો છે.
શામળાજી પોલીસે આરોપી સામે હથિયાર અધિનિયમ કલમ 25(1-b)(a) તેમજ BNS કલમ 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી સામે અમદાવાદ ખાતે 73 લાખ રૂપિયાની લૂંટ તથા ફાયરિંગના ગુનાઓનો ઇતિહાસ છે. લૂંટના ઇરાદે આરોપી નીકળ્યો હોવાનું તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોના લોકેશન પોલીસને હાથ લાગ્યા હોવાનું એસપી દ્વારા જણાવાયું છે.
આ કેસમાં મહાવીર, મહાવીરનો સાળો સુનિલ અને મહાવીરનો પુત્ર અનુપને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રાણઘાતક હથિયારોની હેરાફરી કરનાર તમામ આરોપીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





