AHAVADANGGUJARAT

થર્ટી ફર્સ્ટ પૂર્વે ડાંગ પોલીસ એક્શન મોડમાં:-મહારાષ્ટ્ર સરહદે આવેલા તમામ ચેકપોસ્ટ પર સઘન સર્ચ ઓપરેશન..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

થર્ટી ફર્સ્ટ એટલે કે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે.વર્ષના અંતિમ દિવસોમાં પ્રવાસીઓની ભારે ભીડને જોતા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડાંગ પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ડાંગ જિલ્લા પોલીસ વડા (SP) પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર સરહદને જોડતા તમામ રસ્તાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.સાપુતારા પોલીસ મથકના પી.આઈ. પી.ડી. ગોંડલિયા,વઘઇ પોલીસ મથકનાં પી.આઈ. વી.કે ગઢવી,આહવા પોલીસ મથકનાં પી.આઈ.આર. એસ.પટેલ,સુબિર પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરી અને તેમની ટીમ દ્વારા ગત રાતથી જ વિવિધ ચેકપોસ્ટ પર સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મુખ્યત્વે  સાપુતારા ચેકપોસ્ટ,માંળુગા ચેકપોસ્ટ,બરડા ચેકપોસ્ટ,બરમ્યાવડ ચેકપોસ્ટ,ચીંચલી ચેકપોસ્ટ, સિંગાણા ચેકપોસ્ટ,ઝાકરાઈબારી ચેકપોસ્ટ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.આ તમામ ચેકપોસ્ટ મહારાષ્ટ્ર રાજ્યની સરહદને જોડતી હોવાથી, ત્યાંથી આવતા પ્રવાસીઓ નશો કરીને અથવા કેફી દ્રવ્યો સાથે ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે બ્રેથ એનાલાઈઝર અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે. દરેક નાના-મોટા વાહનોની ડિક્કી અને સામાનની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉજવણીના નામે કોઈ પણ પ્રકારની અરાજકતા ન ફેલાય અને પર્યટકો સુરક્ષિત રીતે ડાંગની પ્રકૃતિનો આનંદ માણી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં પ્રવેશતા તમામ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.સાપુતારામાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે પણ વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.લોકો  ઉત્સાહપૂર્વક ઉજવણી કરે પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને નશાબંધીના કાયદાનો ભંગ ન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે..

Back to top button
error: Content is protected !!