ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે : હાઈકોર્ટે

કોલકાતા : કોલકાતા હાઇકોર્ટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઈના લગ્ન ભારતમાં થયા હોય અને પછી દંપતી વિદેશમાં રહેતું હોય તો તે ભારતમાં થયેલા લગ્ન છતાં પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાના કેસની સુનાવણી કરી શકે છે. તેના માટે તેમણે ભારત આવવાની જરૂર નથી. આના લીધે ભારતમાં લગ્ન કરી વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય દંપતીઓએ છૂટાછેડા માટે ભારત આવવું નહીં પડે.
કોલકાતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે ભારતીય કાયદા મુજબ દંપતી વિદેશમાં રહેતું હોય તો છૂટાછેડાની પ્રક્રિયા વિદેશમાં થઈ શકે છે. આ ચુકાદો ન્યાયાધીશ સવ્યસાચી ભટ્ટાચાર્ય અને ન્યાયામૂર્તિ સુપ્રતિમ ભટ્ટાચાર્યની બેન્ચે એવા મામલાની સુનાવણી દરમિયાન આપ્યો જેમા કાયદાકીય ક્ષેત્રને લઈને અધિકાર ઉત્પન્ન થયો હતો.
એક દંપતીના લગ્ન ૧૫ ડિસેમ્બર ૨૦૧૮માં કોલકાતામાં હિંદુ રીતરિવાજ સાથે થયા હતા. પતિએ ચાર સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ છૂટાછેડાની અરજી કોલકાતાના અલીપુરની કોર્ટમાં દાખલ કરી હતી. તેના થોડા સમય પછી પત્નીએ પણ ૧૦ ઓક્ટોબરના રોજ બ્રિટનની એક કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણનો કેસ નોંધાવ્યો. પત્નીની દલીલ હતી કે તે ૨૦૧૫થી સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝા પર બ્રિટનમાં રહે છે. પતિ-પત્ની તરીકે અંતિમ નિવાસ પણ બ્રિટનમાં જ હતો.
આના પગલે બ્રિટિશ કોર્ટે મે ૨૦૨૫માં પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો, પરંતુ અલીપુરની નીચલી કોર્ટે તેના પર પ્રતિબંધ લગાવ્યો. નીચલી કોર્ટનું માનવું હતું કે પતિએ ભારતમાં કેસ નોંધાવ્યો હતો અને પત્ની પાસે બ્રિટનની કાયમી નાગરિકતા નથી તેવા સંજોગોમાં આ કેસમાં વિદેશી કોર્ટ અધિકારક્ષેત્ર ન બની શકે. પણ કોલકાતા હાઈકોર્ટે નીચલી કોર્ટના આ ચુકાદાને ઉલ્ટાવ્યો હતો.
હાઈકોર્ટે પતિની તે દલીલને પણ ફગાવી દીધી કે બ્રિટનમાં છૂટાછેડાનો આધાર ભારતીય કાયદા હેઠળ માન્ય નથી. કોર્ટે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે જો લગ્નસંબંધ તે હદ સુધી બગડી જાય કે તેમા સુધારો શક્ય ન હોય તો તેને ક્રૂરતા સમાન માની શકાય છે અને તેના આધારે લગ્નવિચ્છેદ શક્ય છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે હિંદુ વિવાહ અધિનિયમનો સંદર્ભ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ભારતીય કોર્ટ તરીકેનો જ છે, પરંતુ વૈશ્વિક સંદર્ભમાં વિદેશી કોર્ટની સુનાવણી પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવી શકાય.




