ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન-પરેશાન થવાના આક્ષેપોને લઈ ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન-પરેશાન થવાના આક્ષેપોને લઈ ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલની જાહેરાત કરવામાં આવી છે.બાર એસોસિએશનના નિર્ણય અનુસાર,હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ એક કલાક માટે સંબંધિત જજની કોર્ટની બહાર હડતાલ કરશે.
બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે.આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી.
આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે,તારીખ 20 ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટની બહાર ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે.બાર એસોસિએશનના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે,જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.
ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે,ભરૂચ જિલ્લાના વકીલોના આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશન નો સંપૂર્ણ ટેકો છે અને જો ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આહ્વાન કરવામાં આવશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ હડતાલ પર ઉતરશે.



