ભરૂચમાં થર્ટી ફર્સ્ટ પહેલાં જ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓ ઝડપાયાં

સમીર પટેલ, ભરૂચ
જૂના તવરા રોડ પર આવેલાં ભગુકૃપા ફાર્મ હાઉસમા પોલીસે દરોડા પડ્યા હતા.
ભરૂચના જૂના તવરા રોડ પર આવેલાં ભગુકૃપા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ભરૂચ અંક્લેશ્વર અને સુરતના 9 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ટીમે દારૂની 2 બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેર જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઇને પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરના જિલ્લાના ફાર્મ હાઉસ પર પણ પોલીસની બાજ નજર છે. ઉપરાંત પોલીસે તેમના બાતમીદારોને પણ સક્રિય કર્યાં છે. ત્યારે ગઇકાલે સાંજના સમયે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, જુના તવરા રોડ પર આવેલાં ભગુકૃપા ફાર્મ હાઉસમાં કેટલાંક શખ્સોએ દારુની મહેફિલ જમાવી છે. જેના પગલે સી ડિવિઝન પીઆઇ ડોડિયાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડતાં ફાર્મમાં પતરાના શેડની નીચે કુંડાળું વળીને 9 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઇ ગયાં હતાં. ટીમે તેમની પાસેથી દારૂની બે બોટલો તેમજ ચવાણાના પેકટ, પાણીની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ નબીરાઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલાં આરોપીઓ શંકર પટેલ રહે.પટેલ ફળિયુ, મક્તમપુર, વિરાજ તેજસ પટેલ, રહે.અડાજણ,સુરત, હેત જયેશ ચૌહાણ, રહે.શ્રીનાથજી સોસાયટી, ઝાડેશ્વર રોડ ભરૂચ, રાજ મહેશ પટેલ, રહે.પ્રજાપતિ ફળિયું, માંડવા, અંક્લેશ્વર, અનિલ ચંદુ ગામીત, રહે.અડાજણ, સુરત, આદિત્ય પ્રિતેશ ચૌહાણ, રહે.અતિથિ બંગ્લોઝ, ભોલાવ, રીતિક રોહિત પટેલ, રહે.ઓમ સાઇંકૃપા સોસાયટી, ઝાડેશ્વર, મિહીર મુકેશ ગોહિલ, રહે.ગણેશનગર, મક્તમપુર, આદિત્ય મિનેશ માછી, રહે.અડાજણ સુરત નાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




