પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિજાપુર જનરલ હોસ્પિટલ ખાતે ૪૫ ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિજાપુર જનરલ હોસ્પિટલ ખાતે ૪૫ ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિજાપુર જનરલ હોસ્પિટલ ખાતે ૪૫ જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ નો કાર્યક્રમ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઈ સોલંકી તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. અંજુ પરમારના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
એ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટીબી દર્દીઓના પોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો હતો.આ પ્રસંગે જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી, રોટરી ક્લબ ના પ્રમુખ સંગીતાબેન પટેલ તથા તાલુકા સદસ્ય પરેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમના સહયોગથી કુલ ૪૫ ટીબીના દર્દીઓને ૬ માસ માટેની પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. પોષણ કીટથી દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને સારવાર વધુ અસરકારક બને તે માટે વિશેષ રૂપે સહાય આપવામા આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ટીબી રોગના લક્ષણો, સારવાર અને સરકાર દ્વારા મળતા લાભો અંગે માહિતી આપવામાં આવી હતી. ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સમયસર સારવાર, યોગ્ય પોષણ અને સમાજની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ તેમજ એસ.ટી.એસ. પ્રકાશભાઈ નાયી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અંતમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી ટીબી મુક્ત સમાજ રચવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી





