
વાત્સલમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ યુવા પેઢી મોંઘીદાટ પાર્ટીઓ અને બિનજરૂરી ખર્ચ તરફ વળી રહી છે, ત્યારે વડનગરની સરસ્વતી વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને માનવતાની મહેક ફેલાવી છે. વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસે (૩૧ ડિસેમ્બર) શાળામાં આયોજિત વિવિધ પ્રવૃત્તિઓએ સૌના દિલ જીતી લીધા છે.
ચોકલેટના બદલે હનુમાન ચાલીસાની ભેટ
શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ તેનો જન્મદિવસ ખૂબ જ પવિત્ર રીતે ઉજવ્યો હતો. તેણે આજના ‘કેક કટિંગ’ના ટ્રેન્ડને બદલે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફને ‘હનુમાન ચાલીસા’ની પુસ્તિકા ભેટમાં આપી હતી. આ પહેલ પાછળનો હેતુ બાળકોમાં નાનપણથી જ આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો છે.
અબોલ પક્ષીઓની સેવા અને જીવદયા
ઉજવણીનો સિલસિલો અહીં જ ન અટકતા, અન્ય એક દીકરીએ પણ પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે અબોલ પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરી હતી. પક્ષીઓને ચણ નાખીને તેણે સમાજને સંદેશ આપ્યો હતો કે સાચો આનંદ બીજાની સેવા અને જીવદયામાં રહેલો છે. શાળામાં શરૂ થયેલી જન્મદિવસ ઉજવવાની આ નવતર પદ્ધતિ અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે.
ધોરણ-૩ ના ભૂલકાઓએ ૨૦૨૫ને કર્યું ‘બાય-બાય’અને નવા વર્ષની અવકાર્યું હતું.
શાળાના સંચાલકો અને શિક્ષકોએ જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ધ્યેય માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાનો નથી, પરંતુ બાળકોમાં પરોપકાર, ભક્તિ અને જીવદયા જેવા સંસ્કારોનું સિંચન કરવાનો છે.” વાલીઓએ પણ શાળાની આ અવનવી પ્રવૃત્તિઓથી ભારોભાર પ્રશંસા કરતા હોય છે.






