
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા તાલુકાની આરોગ્ય સેવાઓને વેગ આપવા અદાણી ફાઉન્ડેશનનો સહયોગ: 50 આરોગ્ય કેન્દ્રોને આધુનિક સાધનો અર્પણ
મુંદરા,તા.31: મુંદરા તાલુકાની અંદાજિત 1,60,000ની વસ્તીને વધુ બહેતર અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાલુકા આરોગ્ય વિભાગ અંતર્ગત કાર્યરત 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 42 આયુષ્માન આરોગ્ય મંદિરો સહિત કુલ 50 સંસ્થાઓની સેવાઓમાં સુધારો લાવવા માટે વિવિધ અત્યાધુનિક સાધન-સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આયોજિત ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાયમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે અત્યંત ઉપયોગી એવા 7 ફોગીંગ મશીન, 42 હિમોગ્લોબીન ટેસ્ટીંગ મશીન, 42 એક્ઝામિનેશન લેમ્પ, 8 કોમ્પ્યુટર સેટ, 8 સ્ટ્રેચર, 7 વ્હિલ ચેર, 7 વોટર ડિસ્પેન્સર અને 2 સ્ટીઅર પમ્પ જેવી સામગ્રીનો સમાવેશ થાય છે.
કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. મેહુલ બલદાણીયાએ સૌનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આરોગ્ય સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરે અદાણી ફાઉન્ડેશન તરફથી મળેલી સાધન-સામગ્રીની યાદીનું વાંચન કરી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પ્રકાશભાઈ ગોહિલે સંસ્થા વતી આભારપત્રનું વાંચન કર્યું હતું.
અદાણીના એકજ્યુકેટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે આ પ્રસંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં મુંદરા તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રોને સંપૂર્ણપણે અધ્યતન કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનના કિશોરભાઈ ચાવડાએ પણ આરોગ્ય ક્ષેત્રે ટીમ દ્વારા સતત સહયોગની ખાતરી આપી હતી. નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન પ્રણવ જોષીએ અદાણી ફાઉન્ડેશનની સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા મુંદરાની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.
તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયાએ વર્ષ 1995થી પોલિયો જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં અદાણીના અવિરત સાથ-સહકાર અને આરોગ્ય વિભાગ સંભાળતા ગુજરાત CSR હેડ પંક્તિબેન શાહ તથા મનહરભાઈ ચાવડાના અવિરત સહકારને યાદ કર્યા હતા. મુંદરા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. મંથન ફફલે આ સેવાકાર્યને બિરદાવતા સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે મહેમાનોએ બાળ સંભાળ કેન્દ્રની મુલાકાત લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરસનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ હરિભાઈ જાટીયાએ કરી હતી. આ સફળ આયોજન માટે અદાણી હોસ્પિટલના હેડ ડો.ત્રિયાંક શુક્લા અને અદાણી ફાઉન્ડેશનની ટીમે જહેમત ઉઠાવી હતી. તાલુકાના આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.









વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




