
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૭૫ સામે ૮૪૭૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૭૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૨૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૧૮ સામે ૨૬૧૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૦૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મોટા ફંડો, ખેલાડીઓની ગેરહાજરી અને વૈશ્વિક મોરચે નિરૂત્સાહ સાથે વર્ષ ૨૦૨૬ માટે આર્થિક મોરચે વિશ્વાસની કટોકટીને લઈ ભારતીય શેરબજારમાં સપ્તાહના શરૂઆતી દિવસોમાં શેરોમાં એકંદર મંદીની રૂખ રહી હતી. ફંડો, ખેલંદાઓએ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. પરંતુ, વૈશ્વિક મોરચે એસેટ ક્લાસ બદલાઈને વર્ષ ૨૦૨૫માં સોના-ચાંદીમાં ફંડો, ઈન્વેસ્ટરો સક્રિય મોટાપાયે લેવાલ રહેતાં તેજી સાથે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે એક તરફ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત સફળ નહીં રહેતાં અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત મામલે અનિશ્ચિતતાના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી વિરૂધ આજે ભારતીય શેરબજારમાં રિકવરી જોવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વની ડિસેમ્બર બેઠકની મિનિટ્સ રિલીઝ થયા પછી વિદેશમાં ડોલરની મજબૂતાઈથી પ્રભાવિત થઇ બુધવારે શરૂઆતના વેપારમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, વધુમાં, સતત વિદેશી ભંડોળના પ્રવાહ અને યુએસ-ભારત વેપાર અનિશ્ચિતતાઓ અંગેની ચિંતાઓએ પણ રૂપિયાની સ્થિતિ પર વધુ દબાણ ઉમેર્યું હતું.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, આઈટી અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૩ અને વધનારની સંખ્યા ૨૭૯૯ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૨.૪૫%, કોટક બેન્ક ૨.૧૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮૬%, એક્સીસ બેન્ક ૧.૮૨%, ટાઈટન લિ. ૧.૮૧%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૬૬%, ટ્રેન્ટ લિ. ૧.૬૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૩%, ભારત ઇલેક્ટ્રોનીક્સ ૧.૫૬% અને એનટીપીસી લિ. ૧.૫૨% વધ્યા હતા, જ્યારે ટીસીએસ લિ. ૧.૨૯%, ટેક મહિન્દ્રા ૦.૮૬%, ઇન્ફોસિસ લિ. ૦.૪૯%, બજાજ ફાઈનાન્સ ૦.૨૭% અને સન ફાર્મા ૦.૦૨% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૦૫ લાખ કરોડ વધીને ૪૭૫.૭૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૫ કંપનીઓ વધી અને ૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે આવનારા સમયમાં દિશા બે ભાગમાં વહેંચાયેલી જોવા મળશે. એક તરફ પ્રાથમિક બજારમાં આઈપીઓ અને ખાસ કરીને રાઈટસ ઈશ્યુ મારફત નાણાં ઊભા કરવાની પ્રવૃત્તિમાં તેજી એ બાબતનું સૂચન કરે છે કે કંપનીઓ લાંબા ગાળાના વિકાસ માટે મૂડી ઊભી કરવામાં આત્મવિશ્વાસ ધરાવે છે. સેબી દ્વારા રાઈટસ ઈશ્યુના ધોરણોને સરળ બનાવવાના પગલાંએ કોર્પોરેટ્સ માટે સમય અને ખર્ચ બંને ઘટાડ્યા છે, જેના કારણે બજારની અસ્થિરતા વચ્ચે પણ કંપનીઓ પોતાના હાજર શેરધારકો પાસેથી મૂડી મેળવવાનું વધુ સલામત વિકલ્પ માની રહી છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે આગામી સમયમાં પ્રાથમિક બજારમાં ફંડ રેઇઝિંગની રચના બદલાતી રહેશે અને રાઈટસ ઈશ્યુ આઈપીઓ અને ક્યુઆઈપીનો મજબૂત વિકલ્પ બની શકે છે.
બીજી તરફ, સેકન્ડરી માર્કેટમાં વધતી વોલેટિલિટી, ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોમાં રોકાણકારો માટે સાવચેતીનો સંકેત આપી રહી છે. બજારમાં કરેકશન અને વૈશ્વિક અનિશ્ચિતતાઓના માહોલમાં સંસ્થાકીય રોકાણકારો જોખમ સ્વીકારવામાં સંકોચ અનુભવી રહ્યા છે, જેના કારણે ક્યુઆઈપી જેવી સંસ્થાકીય ફંડિંગ પદ્ધતિઓ પર અસર પડી છે. આવી પરિસ્થિતિમાં ભારતીય શેરબજારની ભાવી દિશા “સિલેક્ટિવ ગ્રોથ” તરફ ઝુકતી દેખાય છે, જ્યાં મજબૂત બેલેન્સશીટ, સ્થિર કેશ ફ્લો અને સ્પષ્ટ બિઝનેસ મોડલ ધરાવતી કંપનીઓમાં જ રોકાણકારોનો વિશ્વાસ કેન્દ્રિત રહેશે. લાંબા ગાળે આ પ્રવૃત્તિ બજારને વધુ સ્વસ્થ અને ગુણવત્તા આધારિત બનાવશે, જોકે ટૂંકા ગાળે અસ્થિરતા યથાવત્ રહેવાની શક્યતા રહેશે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



