ધોલેરાના ઓતરીયામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત POCSO એક્ટ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત ધોલેરા તાલુકાના ઓતરીયા ગામમાં આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ માટે POCSO એક્ટ, 2012 (બાળકોનું લૈંગિક શોષણ નિવારણ અધિનિયમ) અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓમાં કાયદાકીય જાગૃતિ વિકસાવવાનો, તેમને પોતાના અધિકારો વિશે માહિતગાર કરવાનો તેમજ વ્યક્તિગત અને ઓનલાઇન સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ વચ્ચેનો સ્પષ્ટ તફાવત સમજાવવામાં આવ્યો હતો અને કોઈપણ અસુવિધાજનક અથવા શોષણજનક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તથા કોને જાણ કરવી તે અંગે વ્યવહારુ સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ અને વિષય નિષ્ણાતોએ સરળ અને વિદ્યાર્થીમૈત્રી ભાષામાં POCSO એક્ટ, 2012ની મહત્વપૂર્ણ જોગવાઈઓ સમજાવી હતી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કાયદામાં રહેલી સુરક્ષા વ્યવસ્થાઓ, ફરિયાદ કરવાની પ્રક્રિયા અને શોષણ સામે ચૂપ રહેવાને બદલે હિંમતપૂર્વક આગળ આવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીનીઓ વિષયને સરળતાથી સમજી શકે તે માટે કાર્યક્રમ દરમિયાન ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, પ્રશ્નોત્તરી સત્ર, નાની રમતો અને પરિસ્થિતિ આધારિત ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો તથા શંકાઓ ખુલ્લેઆમ રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતે “મારું શરીર, મારો અધિકાર”નો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીઓને નિર્ભય બની પોતાની સુરક્ષા માટે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના સમયે ડર્યા વગર તરત જ માતા-પિતા, શિક્ષક, પોલીસ અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર સંપર્ક કરવા અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યક્રમના પરિણામે વિદ્યાર્થીનીઓમાં કાયદાકીય સમજ વધવા સાથે આત્મસુરક્ષા, આત્મવિશ્વાસ અને સજાગતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો ભવિષ્યમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં સતત યોજવામાં આવશે તેમ અંતે જણાવવામાં આવ્યું હતું.







