MORBI મોરબી શહેરના વિવિધ નાગરિક પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે મહાપાલિકા કમિશ્નરને લેખિતમાં રજૂઆત

MORBI મોરબી શહેરના વિવિધ નાગરિક પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે મહાપાલિકા કમિશ્નરને લેખિતમાં રજૂઆત
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મહાપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ, શહેરમાં જી.ઈ.બી. દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇનના કામ બાદ તૂટેલા રોડનું યોગ્ય રીપેર થતું નથી, જેના કારણે તાજેતરમાં બનેલા રસ્તાઓ ફરીથી બગડતા નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના પ્રશ્ન અંગે ‘માત્ર ગાયોને પકડીને કાર્યવાહી પૂરતી માનવામાં આવે છે,’ જ્યારે આખલાઓથી વધુ અકસ્માતો સર્જાય છે, જેથી સૌપ્રથમ આખલાઓને પકડવાની માંગ કરવામાં આવી છે. મોરબી-૨ વિસ્તારમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડથી ફ્લોરા અક્ષર સિટી અને ડી-માર્ટ તરફના માર્ગ પર સ્ટ્રીટલાઇટના પોલ લાગ્યા હોવા છતાં લાઇટ કનેક્શન ન હોવાથી તાત્કાલિક લાઇટ ચાલુ કરવાની માંગ છે. વિસીપરા વિસ્તારમાં ચાર ગોદામથી અમરેલી રોડ તરફના મુખ્ય માર્ગને તાત્કાલિક સી.સી. રોડ બનાવવા તેમજ સામાકાંઠે સો-ઓરડી પાછળ આવેલી શક્તિ સોસાયટીના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર, નર્સ અને આશાવર્કર જેવી જરૂરી સ્ટાફની ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં ભેળવાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય સર્વે કરી જોડાણના સમયથી જ વેરો વસૂલવાની તેમજ નટરાજ ફાટકથી જૂની પરશુરામ પોસ્ટ ઓફિસ સુધી ડબલ લેન રોડ બનાવવાની માંગ પણ રજૂઆતમાં સામેલ છે. આ ઉપરાંત શહેરમાં બિનકાયદેસર સ્પીડબ્રેકર દૂર કરવા, નવા ઉમેરાયેલા ગામોમાં પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરવા અને સમગ્ર મોરબી શહેરને શુદ્ધ પીવાનું પાણી પુરું પાડવા માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપવાની માંગ સાથે મહાપાલિકા તંત્રને તાત્કાલિક પગલા લેવા અપીલ કરવામાં આવી છે.







