
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
માનવતા મહેકાવી: દેશલપર (ગુંતલી)ના લોકપ્રિય ડૉ. રામસિંહ રાઠોડે તબીબી ક્ષેત્રે ૨૫ વર્ષ પૂર્ણ કર્યા
મુંદરા,તા.1: ડૉક્ટરને સમાજમાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. જ્યારે કોઈ દર્દી ગંભીર બીમારીમાં સપડાય છે, ત્યારે તેને ડૉક્ટરમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આ ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે દેશલપર (ગુંતલી)ના ખ્યાતનામ ડૉ. રામસિંહ રાઠોડ સાહેબે, જેમણે પોતાની તબીબી કારકિર્દીના સફળતાપૂર્વક ૨૫ વર્ષ પૂર્ણ કરી સિલ્વર જ્યુબિલી મનાવી છે.
આજના સમયમાં જ્યારે તબીબી ક્ષેત્રે વ્યાપારીકરણના કિસ્સાઓ જોવા મળે છે, ત્યારે ડૉ. રાઠોડ જેવા નિષ્ઠાવાન તબીબો માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સામાજિક અગ્રણી જગદીશભાઈ દવેના જણાવ્યા મુજબ, ડૉ. રાઠોડ ગામના વિજ્ઞાન પ્રવાહ (Science) માં અભ્યાસ કરનાર પ્રથમ વ્યક્તિ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં જ લીધા બાદ મહેસાણાની સ્વામિનારાયણ કોલેજમાંથી તબીબી પદવી મેળવી હતી. પદવી મેળવ્યા બાદ તેમણે કોઈ આલીશાન શહેરના બદલે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં સેવા આપવાનો સંકલ્પ કર્યો હતો.
તેમની સેવાયાત્રાની વિશેષતા એ છે કે, સરહદી અને પછાત ગણાતા લુણા તથા ભીટારા જેવા ગામોમાં, જ્યાં આજે પણ રસ્તાઓની હાલત અતિ બિસ્માર હોવાથી ફોર-વ્હીલર લઈ જવું મુશ્કેલ છે, ત્યાં ડૉ. રાઠોડ વર્ષોથી પોતાના ટુ-વ્હીલર દ્વારા દર્દીઓ સુધી પહોંચી સેવા આપી રહ્યા છે. હાલ તેઓ નખત્રાણા સ્થાયી થયા હોવા છતાં, છેલ્લા ૨૫ વર્ષથી દેશલપર ગામમાં પોતાનું દવાખાનું ચલાવી રહ્યા છે. ચોમાસા દરમિયાન કે કોઈ કુદરતી આફતના સમયે દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે તેઓ રાત્રી રોકાણ પણ ત્યાં જ કરીને ખડેપગે સેવા આપે છે.
પોતાની આ ૨૫ વર્ષની સફર નિમિત્તે ડૉ. રામસિંહ રાઠોડે તેમના પર અતૂટ વિશ્વાસ રાખનાર દરેક દર્દીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે પોતાની સફળતાનો શ્રેય પરિવારજનો, સહકર્મીઓ અને મિત્રોને આપતા સૌનો આભાર માન્યો હતો. તેમની આ નિઃસ્વાર્થ સેવાને દેશલપર ગુંતલી સહિત આસપાસના ગ્રામજનોએ બિરદાવી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




