
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
રસ્તા, પંચાયત ભવન, પ્રાથમિક શાળા ભવન જેવા વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું
આપણા જિલ્લાના એકપણ પશુપાલકોની દૂધ બગાડવું ન જોઈએ અને તમારા ઘરના આંગણા સુધી ૧૦૮ પહોંચે તેવા રસ્તા બનાવવાનો સરકારનો પ્રયાસ છે.ખેરગામ:આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના વિવિધ ગામોના રોડ – રસ્તા, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં 15.92 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ખેરગામ તાલુકાના આછવણી ગામે રૂ.703 લાખ , ખેરગામ દાદરી ફળિયા ખાતે રૂ.395 લાખ , નાધઈ ગામે રૂ.316 લાખ, તેમજ વાવ ગામે રૂ. 177 લાખના કામો મળી અંદાજિત કુલ રૂ.15.92 કરોડ ના વિવિધ વિકાસ કામો માર્ગ અને મકાન વિભાગ ની વિવિધ યોજના હેઠળ ખાતમુહર્ત થયા હતા.આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન બાલુભાઈ પાડવી, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લીતેશ ગાવિત, મહામંત્રી વિજયભાઈ રાઠોડ તેમજ જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા ગામોના સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી નરેશભાઈ પટેલે વિવિધ ગામોમાં થયેલા ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે રોડ, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાનું નિર્માણ ગામના સર્વાંગી વિકાસનું મજબૂત પાયા છે. સારી રસ્તાની સુવિધાથી પરિવહન સરળ બનશે, ગ્રામજનોને દૈનિક અવરજવર વધુ સુગમ બનશે. નવા પંચાયત ભવનથી લોકસેવાની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે, જ્યારે આધુનિક પ્રાથમિક શાળા બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સાથે ઉજળું ભવિષ્ય આપશે. આ ત્રણેય વિકાસ કાર્યો આ વિસ્તારને આગામી વર્ષોમાં નવા વિકાસના માર્ગે આગળ ધપાવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લામાં ઉત્પાદન બગાડ થતું અટકાવવા તેમજ તાત્કાલિક આવશ્યક સેવાઓ દરેક નાગરિકના ઘરના આંગણા સુધી સમયસર પહોંચી શકે તેવા માર્ગોના નિર્માણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.




