Rajkot: રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર – કચ્છની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરતાં પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી

તા.૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – ૨૦૨૬
રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર – કચ્છની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરતાં પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
વડાપ્રધાનશ્રી દ્વારા તા.૧૧ જાન્યુઆરીના રોજ શુભારંભ કરાશે
વાઈબ્રન્ટ કોન્ફરન્સના સુચારૂ આયોજન માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન – સુચનાઓ આપ્યા
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર કચ્છની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ કરાશે. રાજકોટ માટે ગૌરવપ્રદ ઘટના સમાન આ કોન્ફરન્સના આયોજન અંગે રાજકોટ જિલ્લાપ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર આયોજનને લોકભોગ્ય અને વિકાસના રોડમેપ સમાન બનાવવા જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રભારી મંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર – કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી, સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની થીમ રજૂ કરતાં કાર્યક્રમોના આયોજન અંગે વિગતો જાણતા જનકલ્યાણકારી યોજનાઓ અંગેના બેનર્સ, થીમ બેઈઝ્ડ લાઈટીંગ, પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રોના સ્ટોલ ગોઠવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ કોન્ફરન્સમાં ભાગીદાર દેશો યુક્રેન, જાપાન, કોરીયા, રવાન્ડા સહિત વિવિધ દેશોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહેશે. ૪૪૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં યોજાનારા વિશાળ એક્ઝિબિશનમાં ઉદ્યમી મેળા, સ્વદેશી મેળા, વિવિધ સ્ટાર્ટ અપ માટેના આશરે ૬ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક એકમોને વિકાસ અને નિકાસ માટેની વિપુલ તકો પ્રાપ્ત થશે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું મહત્વ સામાન્ય નાગરીકો પણ સમજે અને સહભાગીતા વધે તે માટે તેના આયોજન સહિતની વિગતો વિવિધ માધ્યમો થકી જનસમુદાય સુધી પહોંચાડવા પર મંત્રીશ્રીએ ભાર મુક્યો હતો. મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા અને જિલ્લા કલેકટર શ્રી ડૉ. ઓમપ્રકાશે પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રીને સમગ્ર આયોજન અંગે વિગતો આપી હતી. મંત્રીશ્રીએ બેઠક બાદ સમગ્ર આયોજન અંગે પ્રેસ મીડિયાને સંબોધન કરી વિગતો આપી.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઇ કાનગડ, શ્રી દર્શિતાબેન શાહ તથા ડો. મહેન્દ્ર પાડલીયા, સંસદ સભ્ય શ્રી પરષોત્તમ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, અગ્રણી શ્રી માધવ દવે, શ્રી જૈમીન ઠાકર, શ્રી લીલુબેન જાદવ, શ્રી અલ્પેશ ઢોલરીયા તથા શ્રી પ્રશાંત કોરાટ સહિતના અગ્રણીઓ, રેન્જ આઈ.જી શ્રી અશોકકુમાર યાદવ, શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ જાની, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી મહેક જૈન, નિવાસી અધિક કલેકટર શ્રી એન. કે. મુછાર, રૂડાના સી.ઈ.ઓ. શ્રી ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ. કે.વસ્તાણી, અધિક કલેક્ટર શ્રી ઇલાબેન ચૌહાણ, સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયા, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






