Rajkot: “VGRC-2026” વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્રની ઈકોનોમીને બૂસ્ટ કરતો સુવર્ણ અવસરઃ ચેમ્બર ઓફ કોમર્સ

તા.૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વી.જી.આર.સી.-૨૦૨૬માં જોડાવા માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ
એમ.એસ.એમ.ઈ. સહિત અનેક ધંધાઓને વેગ મળશે અને રોજગારી વધશેઃ ચેમ્બર પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ
આલેખનઃ સંદીપ કાનાણી
Rajkot: રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ-૨૦૨૬ (વી.જી.આર.સી.)ના આરંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ કોન્ફરન્સના આયોજન અને તેમાં જોડાવા માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે વી.જી.આર.સી.-૨૦૨૬ને રાજકોટ અને સૌરાષ્ટ્રની ઈકોનોમીને બૂસ્ટ કરનારો સુવર્ણ અવસર ગણાવ્યો છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ની શરૂઆત કરાવી હતી. આજે હવે પહેલીવાર રીજીયોનલ વાયબ્રન્ટ રાજકોટના આંગણે યોજાવા જઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો માટે આ સુવર્ણ અવસર છે. તેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રની ઘણી પ્રોડક્ટ વિશ્વફલક પર પહોંચશે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટના ઓટોપાર્ટ્સ અને ઓટોમોબાઈલ સેક્ટર, એગ્રી કોમોડિટી, મોરબીનો સિરામિક ઉદ્યોગ, જામનગર બ્રાસપાર્ટ વગેરે તમામ ક્ષેત્રોને મહત્તમ ફાયદો થાય અને એમ.એસ.એમ.ઈ.ને બૂસ્ટ મળે તેવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રયાસો રહેશે. રાજકોટ જિલ્લામાં આશરે ૨.૨૯ લાખ એમ.એસ.એમ.ઈ. રજિસ્ટર્ડ છે. આ ક્ષેત્રને મહત્તમ ફાયદો થાય તેના પર ભાર આપી રહ્યા છીએ.
રાજકોટ-સૌરાષ્ટ્રના ઘણા ઉત્પાદકોની પ્રોડક્ટ વાયા-વાયા થઈને વિદેશ નિકાસ થતી હોય છે. અનેક ઉદ્યોગકારો જાતે નિકાસ નથી કરી શકતા. રીજીયોનલ વાઈબ્રન્ટમાં ફોરેન ડેલિગેટ્સ આવશે અને તેમના તરફથી સીધી પૂછપરછ અને મળનારા ઓર્ડરના લીધે, ઉદ્યોગકારો તેમને સીધી નિકાસ કરી શકશે. પરિણામે ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે અને દેશનું હુંડિયામણ પણ બચશે. આ સાથે અનેક ધંધાઓ અને રોજગારીનો વ્યાપ વધશે. આમ રાજકોટ-સૌરાષ્ટ્રને ઘણો ફાયદો થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
જ્યારે ચેમ્બરના માનદ સચિવ તથા ઉદ્યોગકાર શ્રી નૌતમ બારસિયાએ જણાવ્યું હતું કે, વી.જી.આર.સી.-૨૦૨૬ માટે વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ છે. ચેમ્બરના ૨૦૦૦થી વધુ સભ્યોને વી.જી.આર.સી.માં રજિસ્ટ્રેશન માટેની લિન્ક આપવામાં આવી છે અને વેપારીઓ અને ઉદ્યોગકારો વી.જી.આર.સી.માં ભાગ લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે. જો કોઈ સભ્યને રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે છે તો ચેમ્બર તેને મદદરૂપ થાય છે.
તેમણે કહ્યું હતું કે, આ વી.જી.આર.સી. બહારથી આવનારી મોટી કંપનીઓ-બાયર્સ અને રાજકોટના ઉદ્યોગકારો માટે સેતુ સમાન બની રહેશે. સર્વિસ ઈન્ડસ્ટ્રીઝને પણ તેનાથી મોટો ફાયદો થશે. આ કોન્ફરન્સથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો આવશે. વેપાર-ધંધા વધશે અને માર્કેટમાં નાણુ ફરતું થતાં બજારમાં તેજી આવશે તેવી આશા છે.





