Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં શિવરાજપુર ખાતે સરકારી માધ્યમિક શાળાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તથા આંબરડી ક્લસ્ટર લેવલ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

તા.૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામાં શિક્ષણની સગવડ બાબતે જસદણ-વિંછીયા પંથક અગ્રેસર છે : મંત્રીશ્રી
તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ સખી મંડળની બહેનોને નિમણૂક પત્ર, સી.આઇ.એફ. ફંડના ચેક અને પ્રમાણપત્ર અપાયા.
Rajkot: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તથા આંબરડી ક્લસ્ટર લેવલ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ તકે મંત્રીશ્રીએ ૨.૬૯ કરોડ ખર્ચે નિર્માણ પામનારી માધ્યમિક શાળાનું ભૂમિપૂજન કર્યું હતું.
આ વેળાએ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ અર્થે સતત પ્રયાસશીલ છે. મહિલાઓએ કોઈના ઉપર ઓશિયાળા ન રહેવું પડે, તેઓ પગભર બને, તેમની મહેનત પ્રમાણે રોજગાર મળે, તેવા ધ્યેયને પૂર્ણ કરવા માટે મિશન મંગલમ્ યોજના અમલી છે. ગામડાંઓનો વિકાસ કરવા માટે ગ્રામીણ યુવાનો અને બહેનો આર્થિક રીતે સ્વનિર્ભર બને, તે જરૂરી છે. જેના માટે આઇ.ટી.આઇ.માં નવા અભ્યાસક્રમો ઉમેરવા, વધારે તાલીમ વર્ગો યોજવા તેમજ ભીડભાડ અને ફરવાલાયક સ્થળોએ ગ્રામહાટ ઊભી કરવાની વિચારણા છે. આ સંદર્ભે રજૂઆતો અને સૂચનો પણ આવકાર્ય છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વર્ષો પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓની જે સ્થિતિ હતી, તેમાં હવે ઘણો સુધારો થયો છે. વાડી વિસ્તારમાં રહેતાં લોકોના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય, તે હેતુસર સમગ્ર ગુજરાતમાં સીમ શાળા બનાવવાનો સંદર્ભ અમલમાં મુકાયો છે. કોઈપણ વિદ્યાર્થીને ભણવા માટે દૂર ન જવું પડે, તે માટે જસદણ-વિંછીયા પંથકમાં સ્નાતક સુધીનો અભ્યાસ થઈ શકે, તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે. ટૂંક સમયમાં વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ પણ બની જશે. આમ, રાજકોટ જિલ્લામાં શિક્ષણની સગવડ બાબતે જસદણ-વિંછીયા પંથક અગ્રેસર છે.
આ અવસરે મહાનુભાવોના હસ્તે ધોરણ ૦૯ અને ધોરણ ૧૦માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને, તેમનું સન્માન કરાયું હતું. તેમજ ફેડરેશનમાં ૦૨ બહેનોને નિમણૂક પત્ર, ૦૩ સખી મંડળોને સી.આઇ.એફ. ફંડના ચેક અને બેંક સખી અને કૃષિ સખીને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર અપાયા હતા.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. લાઇવલીહુડ મેનેજર શ્રી વી.બી. બસીયાએ શાબ્દિક પ્રવચન, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન અને આચાર્ય શ્રી નેહાબેન મેએ આભાર વિધિ કરી હતી. ક્લસ્ટર લેવલ ફેડરેશનના સભ્ય શ્રી ઊર્વિશાબેન સાકરીયાએ વાર્ષિક આવક-જાવક હિસાબની રજૂઆત કરી હતી. કૃષિ સખી શ્રી અંજનાબેન કાકડીયાએ સ્વસહાય જૂથ થકી આત્મનિર્ભર બનવાની વાત કરી હતી અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમજ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી અંજનાબેન શુક્લ અને શિક્ષક શ્રી નેહલબેન સુરાણીએ કર્યું હતું.
આ તકે સરપંચ શ્રી વલ્લભભાઈ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર, આચાર્ય શ્રી હરેશભાઈ પરમાર, અગ્રણી શ્રી અંકિતભાઈ રામાણી સહિત સખી મંડળની બહેનો અને વિદ્યાથીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






