GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને કમળાપુર કલસ્ટર લેવલ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

તા.૧/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપતાં મંત્રીશ્રી : સખી મંડળની બહેનોને નિમણૂક પત્ર, સી.આઇ.એફ. ના ચેક અને પ્રમાણપત્ર અર્પણ

Rajkot, Jasdan: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામમાં આર. ડી. ગાર્ડી હાઈસ્કુલ ખાતે કમળાપુર કલસ્ટર લેવલ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જસદણ-વિંછીયા પંથકના વિકાસ કાર્યોની ઝાંખી રજૂ કરી મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી હતી. તેમજ પોતાના કૌશલ્યના વિકાસ માટે સરકારી યોજનાઓનો લાભ લેવા તથા સખી મંડળમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. અગ્રણી શ્રી મુકેશભાઈ દુધરેજીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. લાઇવલીહુડ મેનેજર શ્રી વી. બી. બસીયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં આંડકીય વિગતો આપી હતી. તેમજ સી.એલ.એફ. પ્રમુખ શ્રી પ્રિયાબેન વાઘાણીએ વાર્ષિક આવક-જાવકનો હિસાબ સભા સમક્ષ રજૂ કર્યા હતાં.

કૃષિ સખી શ્રી મનીષાબેન નાગડકીયાએ સખી મંડળની પ્રગતિ જણાવીને, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીના હસ્તે શ્રી માનસીબેન વાઘાણીને સી.એલ.એફ.માં બુકકીપરનું નિમણૂક પત્ર અપાયું હતું. બેંક સખી, કૃષિ સખી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટરને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર અપાયા હતાં. તેમજ સ્વસહાય જૂથોને સી.સી. લોન ચેક અને ૧.૫૦ લાખના સી.આઇ.એફ. ના ચેક અપાયા હતાં.

આ તકે સરપંચ શ્રી શાંતાબેન વાવડીયા, મામલતદાર શ્રી આઇ.જી.ઝાલા, નાયબ મામલતદાર શ્રી હરેશભાઈ સાંબડ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર શ્રી ભરતભાઈ પરમાર, સી.એલ.એફ. મંત્રી શ્રી કાળીબેન ખાંભલા, અગ્રણીઓ શ્રી ભાવેશભાઈ વેકરીયા, શ્રી ચંકિતભાઈ રામાણી સહિત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!