AHAVADANGGUJARAT

રાજકીય ગરમાવો: સાપુતારામાં ‘દિશા’ની બેઠક બાદ સાંસદ ધવલ પટેલના અનંત પટેલ પર આકરા પ્રહાર..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

  • ડાંગના પ્રવાસન ધામ સાપુતારા ખાતે યોજાયેલી ‘દિશા’ (District Development Coordination and Monitoring Committee) ની મહત્વની બેઠક બાદ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.ડાંગ-વલસાડના સાંસદ ધવલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે અનંત પટેલ આગામી સમયમાં કોંગ્રેસને રામ-રામ કરી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે.સાંસદ ધવલ પટેલના મુખ્ય આક્ષેપોની વાત કરીએ તો, સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, એકતરફ અનંત પટેલ વાપીમાં એવું નિવેદન આપે છે કે તેઓ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પાડશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. બીજી તરફ, AAPના નેતા ચૈતર વસાવા કોંગ્રેસના સેંકડો કાર્યકરોને પોતાની પાર્ટીમાં ભેળવી રહ્યા છે, તેમ છતાં અનંત પટેલ તેમની સામે એક શબ્દ પણ બોલતા નથી. આ બાબત બંને નેતાઓ વચ્ચેની છૂપી સાંઠગાંઠ હોવાનો નિર્દેશ કરે છે.ધવલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ભાજપમાં ભારત વિરોધી, હિન્દુ વિરોધી કે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓ માટે કોઈ સ્થાન નથી. અનંત પટેલ ગમે તેટલા ગતકડાં કરે, પરંતુ ભાજપના દરવાજા તેમના માટે કાયમ માટે બંધ છે.” તેમણે ઉમેર્યું કે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય નિશ્ચિત છે, તેથી પોતાની રાજકીય જમીન બચાવવા અનંત પટેલ ‘આપ’ (AAP) માં જવાના પ્રયાસો કરી રહ્યા છે. સાંસદના મતે, અનંત પટેલ અત્યારે 80% જેટલા કાર્યક્રમો કોંગ્રેસના બેનર વગર વ્યક્તિગત બેનર હેઠળ કરી રહ્યા છે. આ એ વાતની સાબિતી છે કે તેમને હવે કોંગ્રેસ પક્ષમાં રસ રહ્યો નથી અને તેઓ ધીરે ધીરે પક્ષથી અંતર જાળવી રહ્યા છે.”અનંત પટેલ આદિવાસી સમાજના હિત માટે નહીં, પરંતુ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય અસ્તિત્વ બચાવવા માટે આ બધી રમત રમી રહ્યા છે.” પોતાના નિવેદનમાં સાંસદે આંકડાકીય વિગતો આપતા કહ્યું કે, ૨૦૨૨ની વિધાનસભામાં આદિવાસી અનામત ૨૭ બેઠકોમાંથી ૨૩ પર ભાજપનો વિજય થયો છે. લોકસભામાં પણ તમામ આદિવાસી બેઠકો ભાજપે જીતી છે. ચૈતર વસાવા સામે ભરૂચમાં મનસુખ વસાવાની જીત એ વાતનો પુરાવો છે કે આદિવાસી સમાજ સંપૂર્ણપણે વડાપ્રધાન મોદી અને ભાજપના વિકાસ કાર્યો સાથે જોડાયેલો છે.ધવલ પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (અને અમિત ચાવડા) તેમજ વિપક્ષી નેતા તુષાર ચૌધરીનું નામ લઈને કટાક્ષ કર્યો હતો કે, તેમના ધારાસભ્ય પક્ષને પાયમાલ કરી રહ્યા છે તે તેઓ જોઈ રહ્યા હશે, પરંતુ ભાજપને તેનાથી કોઈ ફરક પડતો નથી.સાપુતારાની બેઠક બાદ સાંસદ ધવલ પટેલના આ આક્રમક તેવરથી આગામી દિવસોમાં વાંસદા અને સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે ધારાસભ્ય અનંત પટેલ આ આક્ષેપોનો શું જવાબ આપે છે..

Back to top button
error: Content is protected !!