ડાંગનાં વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીનો આત્મીય સંવાદ:-ગાંધીનગર ખાતે ‘સ્વર્ણીમ સંકુલ’માં યાદગાર મુલાકાત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાના વનવાસી વિદ્યાર્થીઓ માટે ગઇકાલનો દિવસ જીવનભરનું સંભારણું બની રહ્યો હતો.પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગ સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર (માલેગામ) ના ધોરણ 10નાં વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી.
બુધવાર, 31 ડિસેમ્બરના રોજ સાંજે 4 કલાકે સ્વર્ણીમ સંકુલ ખાતે યોજાયેલી આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ તેમની સતત ચાલતી મહત્વની બેઠકોના વ્યસ્ત સમયમાંથી ખાસ અડધો કલાક ફાળવ્યો હતો.ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના વનવાસી વિદ્યાર્થીઓ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને લાગણી આ મુલાકાત દરમિયાન સ્પષ્ટપણે જોવા મળી હતી.મુખ્યમંત્રીએ બાળકો સાથે અત્યંત હળવાશથી વાતચીત કરી હતી અને તેમના અભ્યાસ તેમજ ભવિષ્યના લક્ષ્યો વિશે પૂછપરછ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.મુખ્યમંત્રીનાં માયાળુ સ્વભાવથી વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા.વહીવટી તંત્રના સર્વોચ્ચ શિખર પર હોવા છતાં, બાળકો સાથે પિતાતુલ્ય વર્તન કરીને તેમણે સૌના દિલ જીતી લીધા હતા.આ મુલાકાત દરમિયાન પૂજ્ય સ્વામીજીએ મુખ્યમંત્રીને સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરની વિશેષતાઓ, વનવાસી બાળકો માટે ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાએ મેળવેલી વિવિધ સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાની કામગીરીની સરાહના કરી હતી.મુખ્યમંત્રીએ માત્ર સંવાદ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના આતિથ્ય સત્કારમાં પણ કોઈ કમી રાખી નહોતી. તેમણે તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ ગરમ નાસ્તો અને જ્યુસની વ્યવસ્થા કરાવી હતી. શિસ્તબદ્ધ રીતે નાસ્તો કરી રહેલા ડાંગના આ બાળકોના ચહેરા પર એક અનોખો આનંદ જોવા મળ્યો હતો.ડાંગના પહાડી વિસ્તારોમાંથી આવેલા આ વિદ્યાર્થીઓ માટે રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળવું અને તેમની સાથે વાત કરવી એ એક અવિસ્મરણીય ઘટના બની રહી છે, જે તેમને જીવનમાં આગળ વધવા માટે નવી ઊર્જા પૂરી પાડશે..





