
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ધણી માતંગ દેવની જન્મજયંતિ પર જાહેર રજાની માંગ સાથે મોખા ટોલ ગેટ પર મહેશ્વરી સમાજનું વિરોધ પ્રદર્શન
રતાડીયા,તા.1: આજરોજ કચ્છના મોખા ટોલ ગેટ ખાતે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા ફરજિયાત જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે મહેશ્વરી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોષે ભરાયેલા સમાજના લોકોએ ટોલ ગેટ બંધ કરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ ધણી માતંગ દેવની ભાવપૂર્વક ધૂપ-પૂજા અને અર્ચના કરવામાં આવી હતી.
સમાજના અગ્રણીઓ દ્વારા આ તકે સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ મૂકવામાં આવી છે કે વર્ષ 2026ના પવિત્ર મહા માસમાં ધણી માતંગ દેવની જન્મજયંતિ પર જાહેર રજા જાહેર કરવામાં આવે. આ હેતુથી આગામી તા. 05-01-2026ના રોજ મહેશ્વરી સમાજનું એક પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવશે. જો સરકાર દ્વારા આ પવિત્ર દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલન તેજ બનાવી સામખિયાળી ટોલ ગેટ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ વિરોધ પ્રદર્શનમાં મયુર મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, લખનભાઈ ધુવા, હરેશ મોથારીયા તેમજ મહિલા અગ્રણીઓ આશાબેન ફફલ, પ્રેમિલાબેન મહેશ્વરી, જુમાબેન મહેશ્વરી અને રમીલાબેન મહેશ્વરી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહેશ્વરી સમાજે આ માંગણીને પૂરજોશમાં સમર્થન જાહેર કર્યું છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓના મૌન સામે સવાલ? :
આ પ્રદર્શન દરમિયાન મહેશ્વરી સમાજના મતોથી ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદ સભ્યોના ‘મૌન’ સામે પણ ઉગ્ર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે સમગ્ર સમાજ પોતાની વર્ષો જૂની ન્યાયિક માંગણી માટે રસ્તા પર ઉતર્યો છે ત્યારે સમાજનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓની નિષ્ક્રિયતા દુઃખદ છે. પ્રતિનિધિઓએ આ મુદ્દે સરકારમાં પ્રબળ રજૂઆત કરવી જોઈએ તેને બદલે તેઓ મૌન સેવી રહ્યા છે જેની સામે પણ આગામી દિવસોમાં સમાજ પોતાની રણનીતિ સ્પષ્ટ કરે એ જરૂરી છે.









વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



