અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026એ વૈશ્વિક સ્તરે અમદાવાદને અનન્ય ઓળખ અપાવી છે. “ભારત એક ગાથા” થીમ હેઠળ યોજાયેલા આ ભવ્ય ફ્લાવર શોએ વર્ષ 2026માં એકસાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ સિદ્ધિ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ તથા સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે.
આ વર્ષે ફ્લાવર શોમાં બે અલગ-અલગ કેટેગરીમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો રેકોર્ડ રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો નોંધાયો છે. બંને રચનાઓએ દર્શકો અને પર્યટકોમાં વિશેષ આકર્ષણ જગાવ્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલા ફ્લાવર મંડલાનું DGPS (Differential Global Positioning System) ટેકનોલોજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું હતું. અધિકૃત સર્વે રિપોર્ટ મુજબ ફ્લાવર મંડલાનો વ્યાસ અંદાજે 33.6 મીટર અને કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે. ઉચ્ચ ચોકસાઈવાળા માપદંડોના આધારે આ ફ્લાવર મંડલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની માન્યતા આપવામાં આવી છે. અગાઉ આ કેટેગરીમાં 706.86 ચોરસ મીટરનો બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યો હતો, જેને અમદાવાદે નોંધપાત્ર રીતે પાર કર્યો છે.
આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. Total Station Survey અને Measuring Tape દ્વારા કરવામાં આવેલી માપણી મુજબ આ ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડોને આધારે આ પોર્ટ્રેટને “World’s Largest Flower Portrait” તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક માત્ર 50 ચોરસ મીટરનો હતો.
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ છેલ્લા ત્રણ વર્ષથી સતત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ 2024માં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર અને વર્ષ 2025માં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે રેકોર્ડ નોંધાયો હતો. વર્ષ 2026માં એકસાથે બે નવા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સર્જનાત્મકતા, આયોજન ક્ષમતા અને ટેકનિકલ ચોકસાઈનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.
“ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહર, રાષ્ટ્રીય એકતા અને આધુનિક ભારતની સર્જનાત્મક શક્તિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતો એક ઐતિહાસિક ઉત્સવ બની રહ્યો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઐતિહાસિક પાત્રો અને પ્રાકૃતિક સૌંદર્યને ફૂલોથી આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યું છે, જે દેશ-વિદેશના મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શો 22 જાન્યુઆરી 2026 સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો અને પર્યટકો ઉમટી રહ્યા છે.



