MORBI:મોરબી: રોયલ પાર્ક એપાર્ટમેન્ટમાં પાણી માટે મહિલાઓ‘ત્રાહિમામ 6 દિવસથી નળ કોરા ધાકોર રહેતા મહિલાઓ રણચંડી બની

MORBI:મોરબી: રોયલ પાર્ક એપાર્ટમેન્ટમાં પાણી માટે મહિલાઓ‘ત્રાહિમામ 6 દિવસથી નળ કોરા ધાકોર રહેતા મહિલાઓ રણચંડી બની
ધારાસભ્યના કાર્યાલયે રજૂઆત છતાં પરિણામ ‘શૂન્ય’: રોષે ભરાયેલી મહિલાઓએ કાયમી ઉકેલની માંગ સાથે પાલિકા સામે મોરચો માંડ્યો
મોરબીમાં પીવાના પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વધુ ઘેરી બની રહી છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા રોયલ પાર્ક એપાર્ટમેન્ટમાં છેલ્લા છ દિવસથી પાણીનું એક ટીપું પણ ન મળતા સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો. અગાઉ ધારાસભ્ય સ્તરે રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આજે મહિલાઓએ રોષ સાથે તંત્રને આડે હાથ લીધું હતું.કલાકોના કલાકો સુધી પાણીની પ્રતીક્ષા રોયલ પાર્ક એપાર્ટમેન્ટના રહીશોનો આક્ષેપ છે કે, છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી અહીં પાણીનું વિતરણ સદંતર બંધ છે. દૈનિક જરૂરિયાતો માટે પણ પાણી ન હોવાથી ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ઉનાળાની શરૂઆત પહેલા જ જો આવી સ્થિતિ હોય તો આગામી દિવસોમાં શું થશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓએ આ પ્રશ્ને સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે જઈને રજૂઆત કરી હતી. તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી.પાણી ન આવતા મધ્યમ વર્ગીય પરિવારોએ મોંઘા ભાવના પાણીના ટેન્કરો મંગાવવાની નોબત આવી છે. મહિલાઓનો આક્રોશ: છ-છ દિવસથી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરવામાં આવતા મહિલાઓએ ચીમકી આપી છે કે જો જલ્દી ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.કાયમી નિરાકરણની માંગ સ્થાનિક મહિલાઓએ મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું કે, “અમારે માત્ર વચનો નથી જોઈતા, પણ પાણી જોઈએ છે. દર થોડા દિવસે પાણીના ધાંધિયા સર્જાય છે. પાલિકા તંત્ર અને લોકપ્રતિનિધિઓએ આ બાબતને ગંભીરતાથી લઈ રોયલ પાર્ક એપાર્ટમેન્ટમાં પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે સોલ કરવો જોઈએ.”








