ઘોઘંબાના પરોલી ક્લસ્ટરમાં રવી કેમ્પેઇન અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પરોલી ક્લસ્ટર ખાતે રવી કેમ્પેઇન અંતર્ગત ખેડૂતો માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં જીવામૃત અને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયમોનું પ્રાયોગિક નિદર્શન કરાયું હતું.તાલીમ દરમિયાન સી.આર.પી. દિલીપભાઈ પરમાર દ્વારા ખેડૂતોને જમીનની ફળદ્રુપતા વધારવા માટેના પાયાના ઘટક એવા ‘જીવામૃત’ બનાવવાની વૈજ્ઞાનિક અને સરળ પદ્ધતિ સમજાવવામાં આવી હતી. ખેડૂતોને જીવામૃતના છંટકાવથી થતા અગણિત ફાયદાઓ વિશે માહિતગાર કરી, જીવામૃત કેવી રીતે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ વધારે છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિ સખી દક્ષાબેન દ્વારા ખેતીમાં આવતી વિવિધ રોગ-જીવાતોને કાબૂમાં લેવા માટે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો (જેમ કે નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દસપર્ણી અર્ક) ના ઉપયોગ વિશે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, રવી સીઝનમાં ઉત્પાદિત થતા પાકોનું સીધું વેચાણ કરવાને બદલે તેનું મૂલ્ય વર્ધન (Value Addition) કરીને બજારમાં કેવી રીતે વધુ નફો મેળવી શકાય, તે અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતોએ રાસાયણિક મુક્ત ખેતી કરવા અને પર્યાવરણના જતન માટે ‘પ્રાકૃતિક ખેતી અને સ્વદેશી’ અપનાવવાના ભાવપૂર્વક શપથ લીધા હતા.
આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને રવી સીઝનના પાકોમાં ખર્ચ ઘટાડી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો હતો.જે અન્વયે પરોલી ક્લસ્ટરના અનેક પ્રગતિશીલ ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા અને ઝેરમુક્ત ખેતીના આ અભિયાનને વેગ આપવાનો નિર્ધાર કર્યો હતો.
———






