વિજાપુર ખત્રીકુવા વેપારીઓ એસોસિએશનનું વિધિવત સંગઠન રચાયું પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ની નિમણૂક કરાઈ
વિજાપુર ખત્રીકુવા વેપારીઓ એસોસિએશનનું વિધિવત સંગઠન રચાયું
પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ની નિમણૂક કરાઈ
વાત્સલ્યમ સમાચાર
વિજાપુર શહેરના ખત્રીકુવા વિસ્તારના વેપારીઓના હિતોની રક્ષા તથા વેપાર સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે ખત્રીકુવા વેપારીઓ એસોસિએશનની વિધિવત રચના કરવામાં આવી છે. આ બેઠકમાં એસોસિએશનની કારોબારી સમિતિ સાથે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તથા સહમંત્રીની નિમણૂક કરવામાં આવી હતી.
એસોસિએશનના પ્રમુખ તરીકે ભગવાનભાઈ ઉર્ફે ભગાભાઈ પટેલની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ શહેરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓના સંયુક્ત હિત માટે આ એસોસિએશનની રચના કરવી અત્યંત જરૂરી બની હતી. વેપારીઓને રોજબરોજ પડતી વિવિધ સમસ્યાઓ, અગવડો અને પ્રશ્નોની યોગ્ય રીતે રજૂઆત થાય તેમજ તેનું નિવારણ શક્ય બને તે હેતુથી સંગઠન ઉભું કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એસોસિએશનની રચના બાદ ટૂંકા ગાળામાં જ વેપારીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને હાલમાં 100થી વધુ સભ્યો એસોસિએશન સાથે જોડાયા છે. આવનારા સમયમાં વધુ વેપારીઓને જોડીને સંગઠનને મજબૂત બનાવવામાં આવશે.
એસોસિએશન દ્વારા શહેરના વેપારીઓને લગતા મુદ્દાઓ અંગે સંબંધિત તંત્ર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવશે તેમજ વેપારના વિકાસ અને સહકાર માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે, એવું પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.





