મહીસાગર જિલ્લામાં “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન”ની થીમ સાથે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’નો પ્રારંભ

મહીસાગર જિલ્લામાં “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન”ની થીમ સાથે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’નો પ્રારંભ
***
મહીસાગર સહાયક પોલીસ અધિક્ષકશ્રી વિકાસ યાદવના અધ્યક્ષ સ્થાને ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
***
અમીન કોઠારી, મહિસાગર
મહીસાગર જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સહાયક પોલીસ અધિક્ષક (ASP) વિકાસ યાદવના અધ્યક્ષ સ્થાને ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા લાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વાહન ચલાવતી વખતે હેલમેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા તેમજ પૂરઝડપે વાહન ન ચલાવવા જેવા માર્ગ સલામતીના વિવિધ પાસાઓ પર વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા એ. એસ. પી. વિકાસ યાદવે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોમાં ૫૦% ઘટાડો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. હાલના સમયમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે અકસ્માતો અને મૃત્યુદરમાં થઈ રહેલો વધારો અત્યંત ગંભીર બાબત છે. પરિવારના મુખ્ય વ્યક્તિના અકસ્માતથી આખું કુટુંબ આર્થિક અને સામાજિક રીતે ભાંગી પડે છે. આથી પોતાની અને પરિવારની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ દરેક જવાબદાર નાગરિકની પ્રાથમિક ફરજ છે.
જિલ્લાની ગંભીર સ્થિતિ અંગે આંકડાકીય માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, મહીસાગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૯૫ અકસ્માતોમાં ૧૦૩ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આશ્ચર્યજનક રીતે ૫૦% થી વધુ કિસ્સાઓ દ્વિચક્રી વાહન ચાલકોના છે, જેમાં મુખ્યત્વે હેલમેટ ન પહેરવાના કારણે મૃત્યુ નીપજ્યા છે. આ આંકડાઓ જાગૃતિ કેળવવા માટે પૂરતા છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો નાગરિકો સ્વયંભૂ નિયમોનું પાલન નહીં કરે, તો પોલીસ તંત્ર આગામી દિવસોમાં કાયદાનું કડક અમલીકરણ કરવા અને સખત પગલાં લેવા માટે સજ્જ છે.
વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી પ્રત્યે રસ અને જાગૃતિ વધે તે હેતુથી કાર્યક્રમ દરમિયાન એક વિશેષ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા બનેલા ૩ વિદ્યાર્થિનીઓ અને ૨ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે જિલ્લા સહાયક પોલીસ અધિક્ષકશ્રીના હસ્તે ‘સેફ્ટી ઇનામ’ તરીકે હેલમેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
નોંધનીય છે કે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’ અંતર્ગત “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” થીમ સાથે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન જિલ્લામાં વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ અભિયાન હેઠળ લોકોને ટ્રાફિક નિયમોની સમજૂતી આપવાની સાથે માર્ગ સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત, તંત્ર દ્વારા ખાસ દિવસો દરમિયાન ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વિશેષ ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં RTO ઇન્સ્પેક્ટર, ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, નર્સિંગ કોલેજના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માર્ગ સલામતીના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




