
નર્મદા : “શિક્ષા સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન”ના ધ્યેય સાથે ઉજવણીનો આરંભ કરાવતા સાંસદ મનસુખભાઈ વસાવા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ની ઉજવણીનો પ્રારંભ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધી ચોક, રાજપીપલા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા “Safe Road, Safe Life” અભિયાન અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૧/૨૦૨૬ દરમિયાન એક માસ સુધી ટ્રાફિક જાગૃતિને લગતા વિવિધ થીમ આધારિત જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.
સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં “શિક્ષા સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન”ના ધ્યેય સાથે માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતી માટે વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું અત્યંત જરૂરી છે. સાથે જ તેમણે માર્ગ સલામતી અંગે સમાજમાં વ્યાપક જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સશક્ત નેતૃત્વ હેઠળ ગુજરાત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. માર્ગ સલામતી ક્ષેત્રે પણ સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડે જણાવ્યું હતું કે, “સાવધાની એ જ સલામતી”ના સૂત્રને આત્મસાત કરીને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો જ માર્ગ સલામતી સુનિશ્ચિત થશે. તેમણે વાહનચાલકોને Do અને Do Not ના ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદને જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુ બાઈક ચાલકો તથા રાહદારીઓના થાય છે. વિદ્યાર્થીઓને મળેલી માર્ગ સલામતી અંગેની માહિતી ઘર-પરિવાર સુધી પહોંચાડવા તેમજ જાતે પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમણે અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઓવર સ્પીડ ન કરવી, ધીમે અને સાવચેતી પૂર્વક વાહન ચલાવવું તથા વળાંક વખતે વિશેષ કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



