Rajkot: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ – ૨૦૨૬ : રાજકોટ રિજનલ વાઇબ્રન્ટમાં વિવિધ MoU થવાથી સ્થાનિક ઉદ્યોગોને બળ મળશે અને રોજગારી પણ વધશે : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૨/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં જોડાઈને જસદણ-વિંછીયા પંથકનાં વિકાસમાં સહભાગી બનવા સ્થાનિક ઉદ્યોગોને અનુરોધ કરતાં મંત્રીશ્રી
આલેખન : માર્ગી મહેતા
Rajkot: આજે ગુજરાતે અન્ય ક્ષેત્રોની સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે, જેના પાયામાં છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. રાજ્યમાં સૌ પ્રથમ વખત જિલ્લાસ્તરે ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ તેમજ પ્રાદેશિક સ્તરે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ’નું આયોજન થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટ શહેરમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તા. ૧૧ જાન્યુઆરી અને ૧૨ જાન્યુઆરીએ યોજાનારી છે. તેના અંગે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખુશી વ્યક્ત કરી છે.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્ર સમૃદ્ધ બને અને કમાણીની તકો વધે એવા ઉમદા આશય સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી મોટાભાગની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાઈ છે. આ વર્ષે ચારેય ઝોનમાં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે, જે પૈકી સૌરાષ્ટ્ર પ્રદેશની બે દિવસીય વાઇબ્રન્ટ સમિટ રાજકોટ ખાતે યોજાવા જઈ રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને લાભ થશે. અનેક નાના-મોટા ઉદ્યોગકારો વચ્ચે MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) થવાથી સ્થાનિક ઉદ્યોગોને બળ મળશે અને રોજગારી પણ વધશે. વિદેશી કંપનીઓ અને અન્ય રાજ્યની કંપનીઓ સાથે સ્થાનિક કંપનીઓ MoU કરશે, તો બિઝનેસ ટુ બિઝનેસ પ્રવૃત્તિઓને વેગ મળશે.
જસદણ-વિંછીયા પંથકના ઉદ્યોગો વિશે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જસદણ અને વિંછીયા વિસ્તારમાં અનેક નાના-મોટા ઉદ્યોગો વિકસી રહ્યાં છે, જેનાથી હજારો લોકોને રોજગારી મળી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના કારણે અહીંના ઉદ્યોગો, કારખાનાંઓ, લઘુઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ત્યારે સ્થાનિક ઉદ્યોગો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં જોડાઈને જસદણ-વિંછીયા પંથકને વિકસિત બનાવવામાં સહભાગી બને, તેવો અનુરોધ છે.
આમ, ‘વાઇબ્રન્ટ ગુજરાત’ હવે માત્ર કોઈ એક શહેર પૂરતું સીમિત ન રહેતા, ‘વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ અને ‘રિજનલ સમિટ’ના માધ્યમથી ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યું છે. રાજકોટમાં યોજાનારી રિજનલ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. નાના ઉદ્યોગોને પણ વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો આ પ્રયાસ ગુજરાત સરકારની સર્વગ્રાહી વિકાસની નીતિને સાર્થક કરે છે.




