
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પીટીસીના વિદ્યાર્થીઓને પૂ ધનગીરી બાપુ કહ્યું, “નિર્વ્યસની શિક્ષક જ ઘડવૈયાઓ તૈયાર કરી શકે”
મોડાસાની લાટીવાળા પીટીસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે શિક્ષક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને સમારંભના અધ્યક્ષ સુભાષભાઈ શાહ એ વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે એક સંનિષ્ઠ શિક્ષક જ દેશને વિકાસની ગતિ તરફ લઈ જઈ શકશે.
દીપ પ્રાગટ્ય દ્વારા સંગોષ્ઠી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કોલેજના પ્રભારી મંત્રી અને મંડળના માનદ મંત્રી જયેશભાઈ દોશી એ પોતાની મૌલિક શૈલીમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધોની અગત્યતા સમજાવી હતી. મુખ્ય વક્તા અને દેવરાજ ધામના સંત ધનગીરી બાપુએ વિદ્યાર્થીઓને સનાતન ધર્મ, શિક્ષકની ફરજો, શિક્ષકનું કર્તવ્ય વગેરે સમજાવી પોતાની આગવી તળપદી શૈલીમાં વક્તવ્ય આપ્યું હતું.
ધનગીરી બાપુએ જણાવ્યું હતું કે વ્યસની શિક્ષક ક્યારેય પણ વિદ્યાર્થીઓનું ઘડતર કરી શકે નહીં. પરિશ્રમ, આત્મવિશ્વાસ શ્રવણ શક્તિ અને કથન શક્તિ વગેરેની તાકાતને તેમણે પોતાના વક્તવ્યમાં સમજાવી હતી. સાથે સાથે કુટુંબમાં શાંતિ અને સમાજ સુધારણાનું કામ વર્ગખંડ ઉપરાંત સમાજમાં શિક્ષક કેવી રીતે કરી શકે તેની બૃહદ સમજ આપી હતી. ગંભીર વાતોની સાથે સાથે હાસ્ય ઉપજાવી તેમણે હળવી શૈલીમાં વિદ્યાર્થીઓને શીખ આપી હતી. લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ જયસ્વાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંતોષ દેવકરે સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કુમારી તન્વી દેવડાએ પધારેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કોલેજ કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ એ શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ કુ. બંસી અને કુ. માધવી દ્વારા કરવામાં આવ્યું હતું.





