
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અંદાજે ૧૫૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે તા. ૮-૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાનાર શામળાજી મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે
અરવલ્લી જિલ્લામાં શામળાજી મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સ્થળ મુલાકાત અને બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકામાં આવેલા પ્રાચીન તીર્થસ્થાન શામળાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે. તા. ૮ અને ૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બે દિવસીય શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપી અંદાજિત ૧૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે જિલ્લામાં વિકાસની નવી ગાથા ઉમેરાશે.મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે જિલ્લા વહીવટી ટીમ સાથે સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, પુરવઠા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ માટે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી અને સુચારુ આયોજન માટે તાકીદ કરવામાં આવી હતી.
આ સ્થળ મુલાકાતમાં જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, DRDA ડાયરેક્ટર, માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પુરવઠા વિભાગ, પ્રાંત અધિકારી તેમજ શામળાજી મંદિરના ટ્રસ્ટી ઓ અને અન્ય વિભાગીય અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.શામળાજી મહોત્સવ દરમિયાન ભક્તોને સુખદ અનુભવ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. ભક્તોને અપીલ છે કે તેઓ મહોત્સવમાં મોટી સંખ્યામાં પધારી ભક્તિ અને સંસ્કૃતિના આ પર્વનો લાભ લઈને ધન્યતા અનુભવે.





