
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
શારીરિક મર્યાદાઓને પરાસ્ત કરી સફળતાના શિખરે પહોંચતા કચ્છના રાયસીભાઈ
રતાડીયા,તા.3: કહેવાય છે કે “મન હોય તો માળવે જવાય.” આ કહેવતને કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બરંદા ગામના વતની રાયસીભાઈએ પોતાના અડીખમ આત્મવિશ્વાસથી સાર્થક કરી બતાવી છે. બાળપણમાં પોલિયો જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમ્યા બાદ આજે તેઓ એક સફળ ગેટ ઓપરેટર તરીકે ફરજ બજાવી અન્ય દિવ્યાંગો માટે આશાનું કિરણ બન્યા છે.
સંઘર્ષમય બાળપણ અને મક્કમ નિર્ધાર:
માત્ર બે વર્ષની વયે રાયસીભાઈએ પોલિયોના કારણે એક પગમાં 75% કાર્યક્ષમતા ગુમાવી દીધી હતી. બાળપણથી જ વૈશાખીના સહારે ચાલવું પડતું હોવા છતાં તેમણે ક્યારેય પોતાની જાતને લાચાર ગણી નહોતી. ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની શોધમાં તેમણે અનેક શારીરિક પીડાઓ વેઠી અને લાંબા અંતર સુધી ચાલીને અથાગ પ્રયત્નો કર્યા હતા.
જીવનનો ટર્નિંગ પોઈન્ટ: અદાણી ફાઉન્ડેશનનો સાથ
રાયસી ભાઈના જીવનમાં સુખદ વળાંક વર્ષ 2021માં આવ્યો જ્યારે અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ નિમિત્તે આયોજિત રોજગાર મેળામાં તેમની પસંદગી થઈ. તેમની નિષ્ઠા અને કાર્ય પ્રત્યેની ધગશને કારણે આજે તેઓ અદાણી પોર્ટ ખાતે ‘ગેટ ઓપરેટર’ તરીકે ગૌરવભેર ફરજ બજાવી રહ્યા છે.
સેવા એ જ પરમો ધર્મ:
હાલ મોટા કપાયામાં સ્થાયી થયેલા રાયસી ભાઈ આજે સુખી લગ્નજીવન માણી રહ્યા છે. તેમના પત્ની પણ દિવ્યાંગ હોવાથી, અદાણી ફાઉન્ડેશન દ્વારા તેમને વ્હીલચેરની સહાય પૂરી પાડવામાં આવી છે. પોતાની સફળતા બાદ રાયસી ભાઈ અટક્યા નથી, તેઓ નવરાશના સમયે અન્ય દિવ્યાંગ મિત્રોને સરકારી યોજનાઓની માહિતી આપીને અને ફોર્મ ભરવામાં મદદ કરી ‘સેવા એ જ પરમો ધર્મ’ના મંત્રને ચરિતાર્થ કરી રહ્યા છે.
“શારીરિક ક્ષતિ એ મનની મજબૂતી સામે ક્યારેય અવરોધ બની શકતી નથી. જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો નસીબ પણ આપોઆપ રસ્તો કરી આપે છે.” – રાયસીભાઈ
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



