અંકલેશ્વરમાં દશામાંના નામે 4.44 લાખની છેતરપિંડી:પેટ દર્દ દૂર કરવાના બહાને શાકભાજી વેપારીને ઠગનાર મહિલા ઝડપાઈ

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં શાકભાજીના વેપારીના પુત્રની પેટની પીડા દૂર કરવાના બહાને દશામાંની વિધિના નામે ₹4.44 લાખની છેતરપિંડી કરનાર એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ ખાતે રહેતા 23 વર્ષીય રોહન વસાવા ત્રણ રસ્તા માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. રોહનની માતા જોશનાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબહેન કીરીટ વસાવાને છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ઓળખે છે. પુષ્પાબેનને દશામાં આવતા હોવાનો દાવો કરતા હોવાથી રોહનનું પરિવાર અવારનવાર તેમના ઘરે જતું હતું.
શાકભાજીના વેપારી રોહનને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો. ગત 23 માર્ચે તે તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ઘરે ગયો હતો અને પોતાની તકલીફ જણાવી હતી. ત્યારે પુષ્પાબહેને તેમને મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું.
ત્યારબાદ રોહન તેની માતા, બહેન અને ભાઈ સાથે ફરી પુષ્પાબહેનના ઘરે ગયો. ત્યાં બેસતા જ આ મહિલાએ રોહને પહેરેલી સોનાની ચેઇનમાં કોઈએ મેલીવિદ્યા કરી હોવાનું કહી તે કઢાવી લીધી અને દશામાં પાસે મૂકી દીધી. બીજા દિવસે બીજી ચેઇન અને ત્યારબાદ સોનાની એક પછી એક પાંચ વીંટી પણ લઈ લીધી.
આટલું જ નહીં, પુષ્પાબહેને નિલમ ફર્નિચરમાંથી ₹15,000નો બેડ બજાજ ફાઇનાન્સ કાર્ડ પર લીધો અને વિધિના નામે રોકડા ₹20,000 પણ વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા. આમ કુલ ₹4.44 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.
બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાનું ભાન થતાં તેણે દશામાંના નામે લોકોને છેતરતી પુષ્પાબહેન પાસેથી સોનાની બે ચેઇન, પાંચ વીંટી, રોકડા ₹20,000 અને બેડના ₹15,000 પાછા માંગ્યા. ત્યારે ઠગ મહિલા પુષ્પાબેન ધમકીઓ આપવા લાગ્યા. આખરે, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ₹4.44 લાખની મેલીવિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે દશામાંના નામે લૂંટ કરનાર મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.




