KUTCHMUNDRA

માનવતાના પ્રતીક અને ગરીબોના બેલી ‘ખજૂરભાઈ’ એ મુંદ્રામાં ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

માનવતાના પ્રતીક અને ગરીબોના બેલી ‘ખજૂરભાઈ’ એ મુંદ્રામાં ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

 

મુંદ્રા,તા.3: “દેવા વાળો નથી દુબડો, ભગવાન નથી ભીખારી… ઉદર વસ્યા ને આપશે, આપશે ઈ જ સૂતાને જગાડી.” આ પંક્તિઓને સાર્થક કરી બતાવનાર અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રખ્યાત સેવાભાવી યુવા આઈકોન નિતિન જાની (ખજૂરભાઈ) એ તાજેતરમાં કચ્છની મુલાકાત લીધી હતી. પોતાની નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ અને જીવદયાના કાર્યો દ્વારા લાખો યુવાનો માટે રોલ મોડેલ બનેલા ખજૂરભાઈએ મુંદ્રા સ્થિત ‘સુવિધા પશુ રક્ષા કેન્દ્ર’ ની મુલાકાત લઈ અબોલ જીવો પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા અને સંવેદના વ્યક્ત કરી હતી.

નાની ઉંમરે સેવાના ક્ષેત્રે વિશાળ નામના મેળવનાર ખજૂરભાઈએ ગરીબોના બેલી બનીને અનેક પરિવારોના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથર્યો છે. માં ના ખોળામાં જન્મ લઈ ધરતીના ખોળાને પોતાની સેવાથી ઉજળું કરનાર નિતિન જાનીએ મેડિકલ સહાય હોય કે અન્ય સામાજિક પ્રવૃત્તિઓ, હંમેશા જરૂરિયાતમંદો માટે ખુલ્લા હાથે દાનનો પ્રવાહ વહેતો રાખ્યો છે. મુંદ્રા ખાતે ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત પશુ રક્ષા કેન્દ્રમાં પધારીને તેમણે નિરાધાર પશુઓની સેવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને આ પવિત્ર કાર્યને બિરદાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન ખજૂરભાઈની સાથે સેવાભાવી અગ્રણી રામભાઈ સાખરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની મુલાકાત લઈને તેમણે ગૌ સેવાના કાર્યોમાં પોતાનો સહયોગ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ખજૂરભાઈ જેવા યુવા પ્રેરણાસ્ત્રોતની ઉપસ્થિતિથી આસપાસના વિસ્તારના યુવાનોમાં પણ સેવા અને જીવદયા પ્રત્યે નવી ચેતનાનો સંચાર થયો છે. અંતમાં, ગૌ માતા સૌને સુખી અને સંપન્ન રાખે તેવી પ્રાર્થના સાથે આ પ્રેરણાદાયી મુલાકાત સંપન્ન થઈ હતી તેમ વ્યવસ્થાપક સમિતિએ એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!