મોરબીમાં પોલીસ દ્વારા ‘મસમોટો તોડ’ કર્યાની ઠેર ઠેર ચર્ચાઓ, દારૂ પાર્ટીમાં 35 લાખ વસૂલી કરી હોવાની વાતો વહી !!!
રાજપરના ગાયત્રી ફાર્મમાં બેંક કર્મીઓની પાર્ટી પર ત્રાટકેલી ટીમે DVR જપ્ત કરી પુરાવા મિટાવ્યા; ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરશે?

મોરબી: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ અવારનવાર દારૂ પાર્ટીઓના કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ મોરબીના રાજપર ગામ પાસે આવેલ ગાયત્રી ફાર્મમાં ગઈરાત્રે બનેલી એક ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂની મહેફિલ પર ત્રાટકેલી પોલીસની ટીમે કોઈ કાર્યવાહી કરવાને બદલે લાખો રૂપિયાનો ‘વહીવટ’ કરી મામલો રફેદફે કરી નાખ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે રાત્રે રાજપર ગામના ગાયત્રી ફાર્મમાં એક જાણીતી બેંક સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘પુડલા પાર્ટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ખાનગીમાં દારૂની પણ વ્યવસ્થા હોવાની બાતમીના આધારે મોરબી પોલીસના ગણાતા ચાર જેટલા શખ્સોએ એન્ટ્રી કરી હતી. આ ટીમે પાર્ટીમાં હાજર અંદાજે 35 જેટલા લોકોને પકડી પાડ્યા હતા.
વ્યક્તિ દીઠ 1 લાખનો રેટ?
ચર્ચા મુજબ, રેડ બાદ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે પડદા પાછળ ‘સેટિંગ’નો ખેલ શરૂ થયો હતો. સૂત્રોનું માનીએ તો, પકડાયેલા દરેક વ્યક્તિ દીઠ એક-એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને અંતે રૂ. 35 લાખ જેટલી માતબર રકમનો તોડ કરી તમામ લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા.
સૌથી મોટો પ્રશ્ન: DVR ગયું ક્યાં?
આ આખા પ્રકરણમાં સૌથી શંકાસ્પદ બાબત એ છે કે, રાતોરાત લાખો રૂપિયા ખંખેરનાર આ ટીમે ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરાનું DVR જપ્ત કરી લીધું હતું. જો આ DVR ની ફૂટેજ સામે આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે:
પોલીસ કયા ગુના હેઠળ DVR ઉઠાવી ગઈ?
હાલમાં આ DVR કયા પોલીસ સ્ટેશનમાં કે કયા અધિકારી પાસે છે?
શું ખરેખર તે પોલીસ જ હતી કે કોઈ નકલી ટીમે રેડ કરી તોડ કર્યો છે?
જિલ્લા પોલીસ વડા પાસે ન્યાયની આશા
મોરબી જિલ્લા પોલીસ વડા હાલ ટ્રાફિક સમસ્યાને હલ કરવા સક્રિય છે, ત્યારે લોકોમાં એવી ચર્ચા છે કે ટ્રાફિક કરતાં પણ વધુ ગંભીર પ્રશ્ન કથળતી કાયદો અને વ્યવસ્થા તથા ‘તોડબાજ’ તત્વોનો છે. શું SP સાહેબ આ મામલે તપાસના આદેશ આપી DVR કબજે કરશે?
શું ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ કે બનાવટી ટીમ સામે કડક પગલાં લેવાશે?
લોકમુખે ચર્ચા: “જો રક્ષક જ ભક્ષક બનીને લાખોના તોડ કરશે અને પુરાવા તરીકે DVR ગાયબ કરી દેશે, તો સામાન્ય જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે.”







