
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
રતાડીયાની સંજીવની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અદાણી પોર્ટ-મુંદરાની શૈક્ષણિક મુલાકાત લીધી
મુંદરા,તા.5: તાજેતરમાં સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલય-રતાડીયાના ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે અદાણી પોર્ટ મુંદરા ખાતે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે વિદ્યાર્થીઓને ઔદ્યોગિક જગતનો પ્રત્યક્ષ અનુભવ મળે તે હેતુથી આ પ્રવાસ યોજાયો હતો. આ મુલાકાત દરમિયાન તમામ વિદ્યાર્થીઓ આકર્ષક અને એકસમાન ડ્રેસમાં સજ્જ જોવા મળ્યા હતા જે શિસ્ત અને એકતાના દર્શન કરાવતા હતા.
દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ અદાણી સમૂહના વિવિધ એકમોની મુલાકાત લઈ જીવંત પ્રક્રિયાઓ નિહાળી હતી. જેમાં ‘અદાણી વિલમાર’ ખાતે ખાદ્ય તેલનું પ્રોસેસિંગ અને પેકેજિંગ તથા ‘અદાણી સોલાર અને પાવર’ પ્લાન્ટમાં ઊર્જા ઉત્પાદન અને સોલાર પેનલની ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ ઉપરાંત વેસ્ટ પોર્ટ અને અદાણી પોર્ટની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી થતી કોલસાની આયાત તેમજ વિશ્વસ્તરીય પોર્ટ સંચાલન અને જહાજોની અવરજવરને પ્રત્યક્ષ નિહાળી રોમાંચ અનુભવ્યો હતો.
પ્રવાસના અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓએ ‘શાંતિ વિહાર’ના નયનરમ્ય વાતાવરણનો આનંદ માણ્યો હતો. આ સમગ્ર શૈક્ષણિક પ્રવાસ શાળાના આચાર્યશ્રી ચંદુભાઈ ગોહેલ, ઉત્થાન સહાયક મીરાંબા જાડેજા, અનિલભાઈ તથા અદાણી ટીમની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ મુલાકાતથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્રનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





