અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઈતિહાસ રચ્યો, ગોલ્ડ મેડલ અને રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં પ્રતિનિધિત્વથી સંસ્થાનું ગૌરવ વધાર્યું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સ્થિત સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને તેની સંલગ્ન ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણ, સંશોધન અને રાષ્ટ્રીય પ્રતિનિધિત્વના ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને સંસ્થાનું નામ રાજ્યથી રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિઓ સંસ્થાની ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા, સંશોધનમુખી અભિગમ અને અસરકારક માર્ગદર્શનની મજબૂત પરંપરાને પ્રતિબિંબિત કરે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી ડૉ. પ્રિયા કોકડિયાએ Cardio-Respiratory Disorders વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અભ્યાસક્રમમાં ઓવરઓલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ નોંધાવી છે. એ જ રીતે, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી ડૉ. દર્શિતા ઉચદડીયાએ Orthopedic Disorders વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
ફિઝિયોથેરાપી કોલેજના સ્નાતક અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી જુહી પંચાલે સ્નાતક સ્તરે ગોલ્ડ મેડલ મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આ સિદ્ધિઓથી કોલેજના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ઉત્તમતા માટેની પ્રેરણા વધુ મજબૂત બની છે.
આ ઉપરાંત, ફિઝિયોથેરાપી સ્નાતક અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વૈષ્ણવી પરીખ ‘ફિટ ભારત – હિટ ભારત’ થીમ પર યોજાનારા ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ – રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2026’માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામી છે. આ મહોત્સવનું આયોજન ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરના યુવા નેતાઓ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોના યુવાનો ભાગ લેશે.
સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પીયુષ મિત્તલના સક્ષમ નેતૃત્વ અને સતત માર્ગદર્શન હેઠળ સંસ્થામાં શિક્ષણ સાથે સંશોધન, નવીનતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેના પરિણામે સંસ્થાના વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા આ તમામ સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીઓ તેમજ તેમને માર્ગદર્શન આપનાર પ્રાધ્યાપકોના યોગદાનને હૃદયપૂર્વક સરાહના વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થાએ ભવિષ્યમાં પણ આવા જ ઉત્કૃષ્ટ પરિણામો અને રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ માટે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.



