ભરૂચમાં પતંગ દોરીથી અકસ્માત રોકવા ટુવ્હીલરને સેફ્ટી વાયર લગાવાયા:પોલીસ અને જાગૃત નાગરિકો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાયું



સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી થતા અકસ્માતો અટકાવવા માટે જાગૃત નાગરિકો અને પોલીસ વિભાગ દ્વારા મોટરસાઈકલ તથા મોપેડ પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં કસક સર્કલ ખાતે યોજાયો હતો.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ટુ-વ્હીલર ચાલકોને ગંભીર ઈજાઓ થવાના અને ગળું કપાવાના બનાવો વારંવાર સામે આવે છે. આવા અનેક કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ થવા ઉપરાંત મૃત્યુ પણ નીપજ્યા છે. આ પ્રકારના અકસ્માતોથી બચવા અને ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેફ્ટી વાયર અત્યંત જરૂરી છે.
આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે, કસક સર્કલ સ્થિત SOG પોલીસ સ્ટેશન પાસે સેફ્ટી વાયરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેનું આયોજન યોગી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પીઆઈ પ્રકૃતિ ઝણકાટ અને ભરૂચ સી ડિવિઝન પીઆઈ વનરાજસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નાગરિકોને પતંગના દોરાથી થતા જોખમોથી બચવા અંગે મહત્વપૂર્ણ જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ દ્વારા પણ ઉત્તરાયણ દરમિયાન સુરક્ષિત ઉત્સવ ઉજવવા, નિયમોનું પાલન કરવા અને પોતાની સાથે અન્ય નાગરિકોની સલામતી જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.



