એનસીસી કેડેટ્સ માટે ડ્રોન તાલીમ તથા RCTC કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

7 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
માઉન્ટ આબુ મિલિટરી સ્ટેશન ખાતે ૨૩ રાજપૂત ટીમના સહયોગથી એનસીસી કેડેટ્સ માટે આધુનિક ડ્રોન તાલીમ (Drone Training) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસવીઆઈએમ ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે યોજાયેલ RCTC કેમ્પનો સમાપન સમારોહ પણ ભવ્ય રીતે સંપન્ન થયો હતો.આ પ્રસંગે લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, ઓફિસિયેટિંગ કમાન્ડિંગ ઓફિસર, ૩૫ ગુજરાત બટાલિયન એનસીસી, પાલનપુર (અમદાવાદ ગ્રુપ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેડેટ્સને સંબોધન કરતાં આધુનિક ટેકનોલોજી તેમજ ડ્રોન ટેકનોલોજીનું સૈન્ય, સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. ડ્રોન તાલીમ દરમિયાન કેડેટ્સને ડ્રોનની કાર્યપદ્ધતિ, નિયંત્રણ પ્રક્રિયા તથા તેના વિવિધ ઉપયોગો અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમથી કેડેટ્સમાં નવી ટેકનોલોજી અંગે જાગૃતિ વધવાની સાથે તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો હોવાનું કેડેટ્સે જણાવ્યું હતું.Ncc કેડેટ્સ માટે RCTC કેમ્પ અને ડ્રોન તાલીમનો અનુભવ તેમના માટે અત્યંત ઉપયોગી, શીખવા જેવો તથા પ્રેરણાદાયક રહ્યો છે, જે ભવિષ્યમાં તેમના નેતૃત્વ ગુણોના વિકાસ તેમજ કારકિર્દી ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.








