ગોધરાના કેવડિયા પાસે પ્લાસ્ટિકના ઈંડાની આડમાં વડોદરા લઈ જવાતો ૨૧.૧૫ લાખનો વિદેશી દારૂ પંચમહાલ LCBએ ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી પંચમહાલ શહેરા
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ બાતમીના આધારે ગોધરા તાલુકાના કેવડિયા ગામ પાસેથી ફિલ્મી ઢબે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાંથી પ્લાસ્ટિકના ઈંડાની કેરેટોની આડમાં સંતાડેલો 21.15 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી પોલીસે કુલ 26.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અનોખો કીમિયો અપનાવ્યો હતો. બાતમી મળી હતી કે સંતરોડ તરફથી વડોદરા જઈ રહેલી એક બોલેરો પીકઅપ MH-12-QG-6162માં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે LCBની ટીમે કેવડિયા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ઉપર ઈંડાની કેરેટો ગોઠવેલી હતી. પરંતુ તે અસલી નહીં પણ પ્લાસ્ટિકના ઈંડા હોવાનું જણાયું હતું. આ કેરેટો હટાવતાં તેની નીચે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
આ દરોડામાં પોલીસે વિદેશી દારૂના 10,320 નંગ ક્વાટરીયા જેની કિંમત રૂ. 21,15,600 થાય છે તે તથા ગુનામાં વપરાયેલી 5 લાખની બોલેરો ગાડી, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 26,98,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





