ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો, 45થી વધુ કંપનીઓ દ્વારા 1500થી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના છારોડી સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો સફળતાપૂર્વક યોજાયો હતો. આ રોજગાર મેળો શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ચાર જિલ્લાને આવરી લેતા યુવાનોને એક જ સ્થળે રોજગારની વિશાળ તકો પ્રાપ્ત થઈ હતી.
આ રોજગાર ભરતી મેળામાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઉત્સાહી ઉમેદવારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ખાનગી ક્ષેત્રની 45થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લઈ ઉત્પાદન, સર્વિસ, ટેક્નિકલ, સેલ્સ, સુરક્ષા, લોજિસ્ટિક્સ અને આઈટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં કુલ 1500થી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી હતી.
મેળાની વિશેષતા એ હતી કે ધોરણ 7 પાસથી લઈને ઉચ્ચ સ્નાતક અને અનુસ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સ્થળ પર જ ઇન્ટરવ્યુ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિણામે ઉમેદવારોને અલગ-અલગ સ્થળે ભટક્યા વિના એક જ મંચ પરથી નોકરી મેળવવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય પાયલ કુકરાણીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારત પાસે રહેલી વિશાળ યુવા શક્તિ દેશના ડેમોગ્રાફિક ડિવિડન્ડ માટે મોટી તક છે. જો યુવાનો કૌશલ્ય, શિસ્ત અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધે તો આગામી બે દાયકામાં વિકસિત ભારતનો સંકલ્પ ચોક્કસ સાકાર થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે રોજગાર મેળવવો એ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે દેશની આર્થિક વૃદ્ધિ અને જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું સાધન છે.
મદદનીશ રોજગાર નિયામક મોનિષા સહાનીએ જણાવ્યું હતું કે રોજગાર કચેરી દ્વારા સંચાલિત ‘અનુબંધમ’ પોર્ટલ નોકરીદાતાઓ અને નોકરી શોધતા ઉમેદવારોને જોડવાનું અસરકારક માધ્યમ બની રહ્યું છે. ગુજરાતમાં બેરોજગારીનો નીચો દર સરકારની સક્રિય રોજગાર નીતિઓ અને રોજગાર કચેરીઓની પરિણામલક્ષી કામગીરી દર્શાવે છે. તેમણે યુવાનોને શરૂઆતના પગાર પર નહીં પરંતુ લાંબા ગાળાની કારકિર્દી વિકાસ અને કૌશલ્ય વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયે શ્રમના ગૌરવ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે કોઈપણ કાર્યમાં વ્યક્તિની ઓળખ તેના હોદ્દાથી નહીં પરંતુ તેના યોગદાનથી થાય છે. નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત કૌશલ્ય આધારિત શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમના મહત્વ પર તેમણે વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
રોજગાર મેળામાં રોજગાર અધિકારી નિશાંત શુક્લા, હિતેશ ગઢવી, પ્રોફેસર ડૉ. નિલેશ મોદી સહિતના અધિકારીઓ, યુનિવર્સિટીના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળો યુવાનો માટે રોજગારની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.









